ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયું છે. જેમાં 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. આજે મતદાન દરમિયાન અનેક ઠેકાણે EVMને લઈને ફરિયાદ મળી હતી. જો કે આજે મતદાન પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લાના કાકડકુવા ગામે EVMમાં છેડછાડના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. આખરે જિલ્લા કલેક્ટરને સ્પષ્ટતા કરવી પડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM બસમાં રવાના કરવામાં આવ્યા હતા. જો કે થોડીવાર બાદ તમામ EVM મશીનો બસમાંથી ઉતારીને સ્કૂલમાં પરત લઈ જવામાં આવ્યા હતા.
આ મામલે ગ્રામજનોનું ટોળુ મતદાન મથક પર પહોંચ્યું હતુ અને EVMમાં છેડછાડનો આરોપ મૂક્યો હતો. આખરે મામલો થાળે પાડવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
EVMમાં છેડછાડના આક્ષેપને વલસાડ જિલ્લા કલેક્ટરે ફગાવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, EVMમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. EVMમાં સીલ કરવાનું રહી ગયું હોવાથી સીલ મારવા માટે મશીનો ઉતારવામાં આવ્યા હતા. EVMમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી.