રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ
રાજ્યના 176 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી
રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ (જોવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 71 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 39 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 209 એમ.એમ, બનાસકાંઠાના દિયોદરમાં 190 એમ.એમ., નવસારીના ખેરગામમાં 144 એમ.એમ., સુરતના બારડોલીમાં 125 એમ.એમ., ડીસામાં 120 એમ.એમ., અમીરગઢમાં 120 એમ.એમ., ઓલપાડમાં 118 એમ.એમ., તાપીના ડોલવણમાં 118 એમ.એમ., સુરતના ચૌર્યાસીમાં 117 એમ.એમ., લોધિકામાં 115 એમ.એમ., વલસાડમાં 112 એમ.એમ., પારડીમાં 108 એમ.એમ., નવસારીમાં 101 એમ.એમ. અને વાપીમાં 100 એમ.એમ. વરસાદ પડ્યો હતો.
ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 0.60 એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 4.16 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં 29.71 એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 8.31 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં 4.09 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 9.04 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 17.89 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 12.96 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 51.74 ટકા વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 15.24 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 102.29 એમ.એમ. વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ પડ્યો છે.
છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.