પાકિસ્તાની જેલમાં એક બેરેકમાં બધાને રાખ્યા હતા
20 માછીમારો પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવીને માદરે વતન પહોંચ્યા
ચાર વર્ષે માછીમારો ઘરે પરત ફરતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ
અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી પાક.ની જેલમાં ધકેલી દે છે. ભારત સરકારના પ્રયત્નથી બંધક ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરાવે છે. જે મુજબ તાજેતરમાં પાક. સત્તાવાળાઓએ 20 બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા.
ત્યાંથી રાજ્ય ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા ટ્રેન-બસ મારફત માદરે વતન વેરાવળ લઈ આવવામાં આવ્યા હતા. અહીં પ્રથમ મુક્ત માછીમારોનું જૂદી જૂદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યુ હતુ. બાદમાં ફિશરીઝ કચેરી ખાતે સવારથી રાહ જોઈ રહેલા પરિવારજનોને મુક્ત માછીમારો સુપ્રત કરાયા હતા. આ સમયે ત્રણથી ચાર વર્ષની પાકિસ્તાન જેલમાં યાતના વેઠ્યા બાદ માછીમારો પોતાના પરીવારજનોને મળતા સૌની આંખોમાં હરખના આંસુ વહેતા થવાની સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પાકીસ્તાન જેલમાં બંદીવાન પૈકીના 20 માછીમારો મુક્ત થયા બાદ ગુરુવારે માદરે વતન વેરાવળ પહોંચી પરિવારજનોને મળતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા ગીર સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના જેલવાસ બાદ મુક્ત થયા છે. મુક્ત થઈ પરત ફરેલા માછીમારોએ કહ્યું હતું કે, ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને ભારત છોડશે તે પછી જ પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડશે તેવી વાત પાકિસ્તાની જેલ સત્તાવાળાઓ કરતા હતા.
‘ચાર વર્ષ સુધી પરિવાર સાથે કોઇ સંપર્ક નહીં. કોઇ ટપાલ નહીં, કોઇ ટેલીફોનિક વાત નહીં. પાકિસ્તાની જેલમાં એક બેરેકમાં અમને 186 કેદીઓને જોડે રાખ્યા હતા, પાકિસ્તાનવાળા બધાને કોરોના થયો પણ અમને ઇન્ડિયાવાળાને એકપણને કોરોના ના થયો. હવે મજુરી કરીશ, ખેતી કરીશ પણ માછીમારી ક્યારેય નહીં કરૂ.’ આ શબ્દો છે માછીમાર દિનેશ ચુડાસમાના. જે ચાર વર્ષ પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવીને ગઇકાલે માદરે વતન પહોંચી ગયો છે.
ઉનાના ચીખલી ગામના માછીમાર દિનેશ ચુડાસમા સાથે 20 માછીમારો ઘરે પરત ફરતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. દિનેશે કહ્યું કે, 2018માં બોર્ડરથી 10 કિલોમીટર દુર અમે માછીમારી કરતા હતા અને અમારી ત્રણ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ પકડી હતી. એક દિવસ દરિયામાં ફેરવ્યા અને પછી અમને જેલમાં નાખી દીધા. કોરોનામાં અન્ય કેદીઓને કોરોના થયો પણ એકપણ ભારતીયને કોરોના નહોતો થયો.