15 જુલાઈ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી
16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબીમાં આગાહી
રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે તા.16 જુલાઈએ અહી પડશે ભારે વરસાદ
16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
અંબિકા નદીમાં ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.
મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.