ફરવાના શોખીન ગુજરાતીઓ દિવાળી વેકેશનની રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના લોકોએ ફરવા જવા માટે તો એડવાન્સ ટૂર પેકેજ બુક કરી દીધા છે. કેમ કે, છેલ્લી ઘડીએ હોટલમાં રૂમ કે એર ટિકિટ, ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. ચાલુ વર્ષની દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધશે, તેવું ટૂર ઓપરેટરોનું માનવું છે. કોરોનામાં ફરવા જવાનું મોકૂફ રાખ્યું હતું તે લોકોએ દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે સપ્ટેમ્બર મહિનાથી ટૂર પેકેજ બુક કરવી લીધી છે. જેના કારણે એર ટિકિટ પણ સામાન્ય દરે મળી છે.
ગુજરાતીઓમાં ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ છે. વિયેતનામ, દુબઈ, શીંગપુર, મલેશિયા, બાલી, માલદીવ્સ ગુજરાતીઓના પસંદગીના સ્થળ બન્યા છે. જ્યારે ડોમેસ્ટિકમાં કાશ્મીર, કેરળ, હિમાચલ, દાર્જિલિંગ, ભૂતાન, ગોવા હોટ ફેવરિટ છે. ગુજરાત બહારથી પણ ગુજરાતના પ્રવાસન સ્થળો પર ફરવા માટેનો ક્રેઝ છે. દિવાળીના વેકેશનમાં રણોત્સવ, દ્વારકા, ગીર સોમનાથ, ગીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે તેવી સંભાવના છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશનના ચેરમેન મનીષ શર્માએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ કે, 2022ના તહેવારોમાં પ્રવાસન ધમધમતા થયા છે. દિવાળીના તહેવારમાં ફરવા જવા માટે લોકોએ એડવાન્સ ટૂર પેકેજો બુક કરી લીધા હતા. કેમ કે, દિવાળીના તહેવારમાં તો ફ્લાઇટના ભાડા ત્રણ ગણા થઈ જાય છે અને ટૂર પેકેજ મોંઘા પડે છે. પ્રવાસન સ્થળો પર હોટલમાં રૂમ મળવા પણ મુશ્કેલ બની જાય છે. દિવાળીના વેકેશનમાં અંદાજે 2 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત બહાર ફરવા જશે.
દિવાળીના તહેવારમાં ફરવા જવાનું પ્લાન કરતા હોવ તો ટિકિટ અને હોટેલમાં રૂમ એડવાન્સ બુકીંગ કરવી લેજો. કારણ કે પ્રવાસન સ્થળો પર ટૂર ઓપરેટરો દ્વારા મોટાભાગની હોટલોમાં રૂમ બુકીંગ કરવી લીધા છે અને છેલ્લી ઘટીએ ફ્લાઇટ તથા હોટલના ભાડા આસમાને હશે.