આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હોલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હોલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. અમદાવાદના ટાઉન હોલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર,અમદાવાદ શહેર મેયર કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર , કોર્પોરેશનના પદાધિકારી ઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સતત ચોથા દિવસે પણ મોરબી મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF,SDRF,ગરુડ કમાન્ડો સહિતની અનેક ટુકડીઓ બચાવ કાર્યમાં જોડાયેલી છે. સરકારે અને વહીવટી તંત્રએ 170 લોકોના જીવ બચાવ્યા છે. ગઈકાલ રાત સુધીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય પોંહચી ગઈ છે. 300થી વધુ લોકો દિવસ રાત રાહત કામગીરી કરી રહ્યા છે. હજી બે લોકો લાપતા છે. જેમની મચ્છુ નદીમાં સતત શોધખોળ કરાઈ રહી છે.
મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે.