આજે શરદપૂર્ણિમા છે. આ પર્વ દરમિયાન રાજ્યમાં સ્થળો,સોસાયટીઓ અને ધાર્મિક સ્થળો પર રાસોત્સવ તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે દૂધ પૌંઆનો પ્રસાદ લેવાય છે. કહેવામાં આવે છે, કે આખાય વર્ષમાં શરદ પૂનમની રાત જેવી બીજી કોઇ શિતલ રાત હોતી નથી. આ રાત્રીએ લોકો રાસ ગરબાની રમઝટ બોલાવે છે. રાત્રે બાર કલાકે ભગવાનને પૌંઆનો પ્રસાદ ધરાવી ગ્રહણ કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.
આમ, તો શરદ પૂનમના દિવસે રાસ ગરબા દ્વારા આત્મ અને પરમાત્મા સાથે ભાવ વ્યક્ત કરવાનો પર્વ ગણવામાં આવે છે. ખેલૈયાઓ આ પર્વની રાત્રીએ રાસ ગરબાની રમઝટ બોલાવી ભગવાન પ્રત્યેની આત્મીયતાનો અનુભવ કરાવે છે. જેના કારણે રાજ્યમાં ઠેર ઠેર રાસ ગરબાનુ આયોજન થાય છે. ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા રચી આત્મીયતાનો અનુભવ કરાવ્યો હતો.
તેવી રીતે આ રાસગરબાના આયોજનમાં ભક્તો ભગવાન પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કરવાનો અવસર ગણે છે. આ અવસરને ક્યારેય ભક્તો ચુકતા નથી. આ મહત્વને લઇ સમગ્ર દેશભરમાં શરદ પૂનમની રાત્રીએ રાસ ગરબાની રમઝટ બોલાવી આનંદ માણે છે. અમદાવાદ, રાજકોટ, સુરત,વડોદરા સહિત અનેક જગ્યાઓ પર આજે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ દિવસે પુષ્ટિભક્તિની ચાંદની પુરી ખીલી જાય છે. આત્મા અને પરમાત્મા સાથે રાસ લીલા રમી ભક્તિભાવમાં પરોવી જવા આ દિવસે રામ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અને સ્થળો પર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો રાસોત્સવમાં ભાગ લઇ પ્રભુ પ્રસાદ રૂપે દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરાશે.