આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટ
PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે એક નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. PMOના જણાવ્યાં અનુસાર, સરદારધામ “મિશન 2026” હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. PMOના જણાવ્યાં અનુસાર, આ GPBS-2022 ની મુખ્ય થીમ “આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર સમુદાય” રાખવામાં આવી છે.
સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.
સરસાણા ખાતે 30 હજાર ચોરસ મીટરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે.જેમાં આશરે 950સ્ટોલ હશે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મિશન-2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે સમિટનો મુખ્ય ધ્યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર 10 હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.