કોરોનાકાળમાં યોગ શીખી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
સતત 11 મિનિટ સુધી પિન્ડાસનયુક્તા સર્વાંગાસન કરીને રેકોર્ડ કર્યો
લાઈવ વીડિયોથી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સના સભ્યોએ નિદર્શન કર્યું હતું
યોગ ક્ષેત્રમાં ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમાં પણ કોરોના બાદ યોગનું મહત્વ સમજી લોકો યોગ તરફ આકર્ષાયા છે. ત્યારે નડિયાદની 26 વર્ષીય ટ્વિકલ યોગાશનોમાં કઠોર એવું ‘પિન્ડાસનયુક્તા સર્વાંગાશન’ સતત 11 મિનિટ સુધી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગત તા.27 માર્ચના રોજ તેણીએ લાઈવ વિડીયોના માધ્યમથી પોતાની પ્રતિભા પ્રદર્શીત કરી વૈશ્વિક કક્ષાએ બેસેલા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી હતી.
નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ નિર્મલ નગર સોસાયટીમાં આચાર્ય ટ્વિન્કલ હિતેશભાઈ રહે છે. ટ્વિન્કલને નાનપણ થી જ યોગ પ્રત્યે લગાવ હતો. એમ કોમ પૂર્ણ કર્યા બાદ તેણે જિમ શરૂ કર્યું ત્યારથી યોગ સાથે જોડાઈ. કોરોના કાળમાં ઇન્ટરનેટ પર યોગના વિવિધ આસનો જોઈ તેણે ઘરે જ યોગ કરવાની શરૂઆત કરી હતી. સતત 8 માસ સુધી વિવિધ યોગાસનોની પ્રેક્ટિસ કર્યા બાદ તેણીએ મહત્વના યોગાસનોમાં પ્રભુત્વ મેળવી લીધું હતું. ઇન્ટરનેટના માધ્યમથી જ તેણીએ વિશ્વ રેકોર્ડ્સ ઓફ એક્સલન્સ નાની સંસ્થાનો સંપર્ક કર્યો હતો.
જેમના દ્વારા ટ્વિન્કલને ઓનલાઈન યોગાસન માટે આમંત્રિત કરી હતી. તા.27 માર્ચના રોજ તેણીએ સંતરામ મહારાજના સાનિધ્યમાં સતત 11 મિનિટ સુધી કઠીન કહી સકાય તેવો ‘પિન્ડાસનયુક્તા સર્વાંગાશન’ કર્યું હતું. જેને નિહાળ્યા બાદ તેણીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વૈશ્વિક સંસ્થા દ્વારા નોંધવામાં આવ્યું હતું કે આટલા કઠીન યોગને સતત 11 મિનિટ સુધી આજદિન સુધી કોઈ કરી શક્યું નથી.