- પેપરો લીક મામલે બોર્ડ દ્વારા લેવાયો મોટો નિર્ણય
- પરીક્ષાઓમાં ખાનગી પ્રકાશનો પાસે નહીં છપાવાય પેપર
- સ્કૂલ અથવા એસવીએસ કક્ષાએ જ પેપર છપાવાશે
તાજેતરમાં ધો.10 અને 12ની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ જતા ભારે વિવાદ થયો હતો અને બોર્ડે કરેલા તપાસના આદેશને પગલે સાઈબર ક્રાઈમ સુધી તપાસ પહોચી હતી. કેટલીક સ્કૂલો દ્વારા એસવીએસના માધ્યમથી નવનીત પ્રકાશન પાસે પેપરો તૈયાર કરાવ્યા હતા ત્યારે હવે ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલ કક્ષાએ જ અથવા એસવીએસ કક્ષાએ જ પેપરો તૈયાર કરાવવા ખાસ આદેશ કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર કરીને જણાવ્યુ છે કે પ્રથમ,દ્વિતિય કે એકમ કસોટીઓથી માંડી બોર્ડના કે બોર્ડના નામે ફેક પ્રશ્નપત્રો અને અન્ય ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત પ્રશ્નપત્રોના સોલ્યુશન નિયમ તારીખ પહેલા સોશિયલ મીડિયા-યુ ટયુબ પર વાઈરલ થવાનું વારંવાર ધ્યાને આવ્યુ છે. જેથી હવે તમામ એકમ કસોટીઓ અને ધો.9 તથા 11ની વાર્ષિક પરીક્ષાના ગુણવત્તા યુક્ત પ્રશ્નપત્રો નિર્માણ કરવા માટે ખાસ સ્કૂલોને જણાવવામા આવ છે.
હવેથી પ્રશ્નપત્રો સ્કૂલ કક્ષાએ કે ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર કક્ષાએ કે શાળા વિકાસ સંકુલ કક્ષાએ જ તૈયાર કરવામા આવે. ગુજરાત બોર્ડના વિનિયમો મુજબ સરકારી,ગ્રાન્ટેડ કે ખાનગી સ્કલોમાં યોગ્ય શૈક્ષણિક લાયકાતવાળા શિક્ષકોની ભરતી અંગે જોગવાઈ છે ત્યારે સ્કૂલોમાં અનુભવી શિક્ષકો સ્વયં પ્રશ્નપત્રોનું નિર્માણ કરે તે જરૂરી છે. શાળાઓ પોતાના શિક્ષકો દ્વારા જ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રોથી પરીક્ષાઓનું આયોજન કરે. જેથી પ્રશ્નપત્રો લીક થવા કે ગોપનીયતા જોખમાવાના બનાવોને ટાળી શકાય.
મહત્વનુ છેકે તાજેતરમાં ધો.10 અને 12ની સ્કૂલોની દ્રિતિય સત્રની પરીક્ષામાં કેટલાક પેપરો પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટયુબ પર જવાબો સાથે ફરતા થઈ ગયા હતા ત્યારે મોટો વિવાદ થયો હતો અને અમદાવાદ ડીઈઓ દ્વારા તપાસ કરવામા આવી હતી તેમજ સાઈબર ક્રાઈમમાં આ મુદ્દે ફરિયાદ પણ થઈ હતી. કેટલીક સ્કૂલો દ્વારા નવનીત પબ્લિકેશન્સ દ્વારા તૈયાર કરાયેલા પેપરો જ બેઠા ઉઠાવીને પરીક્ષાઓ લઈ લેતી હોઈ બોર્ડે ખાસ તમામ ડીઓને પરિપત્ર કરીને હવેથી પરીક્ષાઓમાં સ્કૂલ કક્ષાએ પોતાના શિક્ષકો દ્વારા જ પરીક્ષાઓ લેવાય તેવી સૂચના આપી છે. આમ હવે ખાનગી પ્રકાશનોએ તૈયાર કરેલા પ્રશ્નપત્રો પર રોક લાગશે અને સ્કૂલો ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ પેપરો પ્રિન્ટિંગ કરાવી શકશે પરંતુ ખાનગી પ્રકાશનોના પેપરોથી પરીક્ષા નહી લઈ શકે.