પાદરા તાલુકામાં મોડી રાત્રે ઘરમાં ઊંઘી ગયેલી વૃદ્ધાના કાન કાપીને સોનાની બુટ્ટી સહિતના દાગીના લુટી જવાની ઘટનાનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી બે લૂંટારૂની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે લુટની હિસ્ટ્રી ધરાવતા બોરસદ તાલુકાના નાપા ગામમાં રહેતા વિષ્ણુ ઉર્ફે બુચિયો ચંદુભાઈ ચુનારા અને દેદરડા ગામમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારા બંને બાઈક સાથે પાદરા તાલુકાના મોહાની તલાવડી પાસેની નર્મદા કેનાલ ચાર રસ્તા પાસે આવવાના છે. તેવી માહિતીના આધારે બંનેને ચાર રસ્તા પાસે બાઈક અને રૂપિયા 96 હજારના સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા બંનેની પૂછપરછ કરતા લૂંટના ગુનાની કબુલાત કરી હતી. પોલીસને બંને લૂંટારુઓએ જણાવ્યું હતું કે પેટ્રોલપંપ પાસે વૃદ્ધાને જોઈ ત્યારે તેના કાનમાં અને શરીર ઉપર સોનાના દાગીના જોયા હતા જેથી વૃદ્ધાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને વડુ પાસે અમે બંને ભેગા થયા બાદ મોડી રાત્રે લૂંટ કરી હતી ઉલ્લેખનીય છે કે વિષ્ણુ ઉર્ફે બુચિયા સામે સાતથી આઠ ગુના નોંધાયા છે. તેમજ તે પાસામાં પણ ગયો છે જ્યારે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સામે ત્રણ ગુના દાખલ થયા છે.