ગુજરાતમાં બે દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની રહેશે અસર
ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું યલો અલર્ટ
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાને વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની અસર રહેશે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ગરમીની વ્યાપક અસર રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો બીજી બાજુ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે.જો કે, બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસું પણ વહેલું બેસશે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 44ની આસપાસ જ રહેશે. શનિવારના રોજ ગરમીની વાત કરીએ તો, દિવસ દરમિયાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
આ ઉપરાંત અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. એક અનુમાન મુજબ, અમદાવાદમાં આગામી 22 મે સુધી તાપમાન 43થી નીચે જવાની સંભાવના નથી.રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં દિવસ દરમ્યાન ગરમ પવન ફુંકાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી સતત ગરમીના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે પણ ગરમીનો પારો આસમાને જ રહેશે.