કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આણંદ સ્થિત NDDBના હિરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. પ્રવચન દરમ્યાન રાજ્યમાં સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી છે. અમિત શાહે કહ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ વર્તમાન સમયમાં શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે. 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલની વિચારધારાને સમજી NDDBની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો.
આજે NDDB વિશ્વભરમાં મોટી સંસ્થા બની ગઇ છે. રાજ્યની 35 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. અમિત શાહે કહ્યું કે અમૂલ અને NDDBનું સહકારી ક્ષેત્રનું મોડલ અનોખું છે. આ મોડલ થકી નાના ખેડૂતોની મુડી એકત્ર કરી તેમને નફો વહેંચી તેમને સમૃદ્ધ બનાવવામાં આવે છે. દૂધમાં મિલાવટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ અમૂલમાં મિલાવટ કેમ નથી થતી ? કેમકે અમૂલના કોઇ માલિક જ નથી. જો માલિક હોય તો લોભ જાગે પરંતુ અમૂલના કોઇ માલિક જ નથી,એટલે જ મિલાવટ પણ નથી. ખેડૂતો જ અમૂલના માલિક છે.