સુરતના વરાછા વિસ્તારમાં 3 ઓફિસને ટાર્ગેટ કરીને રૂપિયા 8.56 લાખના હીરાની ચોરી કરનારા રીઢા આરોપીને કેશોદથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા હીરાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસ તપાસમાં બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.
સુરતના વરાછા મીની બજાર સ્થિત ઠાકોર દ્વાર સોસાયટી નજીકથી આરોપી હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઈ શિરોયા ફરિયાદી ભરતભાઈ જીવરાજભાઈ ઢોલાની ઓફિસમાંથી 1.14 લાખના હીરા, ચેતનભાઈ જયંતિભાઈ અકબરીની ઓફિસમાંથી 6.23 લાખના હીરા તેમજ અલ્પેશભાઈ રમેશભાઈ મોણપરાની ઓફિસમાંથી 1.17 લાખના હીરા એમ 3 ઓફિસને નિશાન બનાવી 8.56 લાખની કિમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી વરાછા પોલીસે આરોપીના સાસરે તેમજ વતન જૂનાગઢ ખાતે પણ તપાસ કરી હતી, પરંતુ તે પોલીસ પકડમાં આવતો ન હતો. આ દરમિયાન વરાછા પોલીસને માહિતી મળી હતી કે આરોપી કેશોદ વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી વરાછા પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તમામ જરૂરી માહિતી પૂરી પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.
વરાછા પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો તેમજ અન્ય 49 હજારની કિંમતના 248.31 કેરેટ હીરા પણ કબજે કર્યા હતા. વધુમાં આરોપી રીઢો ગુનેગાર છે. તેની સામે એકાદ વર્ષ પહેલા સીગરાને ભગાડી જઈ દુષ્કર્મ કર્યાનો 1 ગુનો, તેમજ આ જ વિસ્તારમાં હીરાની ઓફિસ તથા કારખાનાના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના 3 ગુના તેમજ જાનથી મારી નાખવાની ધમકીના 2 ગુનામાં સંડોવાયેલો છે તેમજ પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. હાલ વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.