ગુજરાતના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ (દાદા) ની જંગી બહુમતી સાથે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેના ચૂંટણી જંગમાં દરેક લોકોની નજર ઘાટલોડિયા બેઠક પર હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી હતી. દર વખતે આ બેઠક પર બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી નવેમ્બરે ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઘાટલોડિયા ખાતે અમિત શાહે સભાને સંબોધી હતી, જેમાં તેઓએ ભૂપેન્દ્ર પટેલને મોટી લીડથી વિજય બનાવવા મતદારોને અપીલ પણ કરી હતી.
ભાજપનો ગઢ માનવામાં આવે છે ઘાટલોડિયા બેઠક
અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે આ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ આપ્યા છે. તેથી જ આ વખતે ભાજપે માત્ર ભૂપેન્દ્ર પટેલને જ ઉમેદવાર બનાવ્યા હતા. જોકે અહીં પાટીદાર સમાજની બહુમતી છે. આ બેઠક પરથી આનંદીબેન પટેલ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોકોર્ડબ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી હતી. જ્યારે 2017માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ અહીંથી 1.17 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.
વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી ઘાટલોડિયા બેઠક
તમને જણાવી દઇએ કે, ઘાટલોડિયા બેઠક એ અમદાવાદ જિલ્લામાં આવેલી છે કે જે વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત અમદાવાદ શહેર-તાલુકાના કેટલાંક ગામડાઓનો પણ સમાવેશ થાય છે.
જાતિગત સમીકરણો
અમદાવાદની આ બેઠકના મત ગણિતની વાત કરીએ તો કુલ મતદારો 3 લાખ 57 હજાર 367 છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 83 હજાર 823 અને સ્ત્રી મતદારો 1 લાખ 73 હજાર 544 છે. ઘાટલોડિયા (41) વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં ઠાકોર અને દલિતની વસ્તી પણ નિર્ણાયક છે.
2017માં 13 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પુરુષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. 2012માં અહીંથી આનંદીબહેનનો વિજય થયો હતો, જ્યારે 2017માં ભૂપેન્દ્ર પટેલની 1.17 લાખ મતોના લીડ સાથે જીત થઈ હતી, જે રાજ્યની તમામ 182 બેઠકોમાંથી સૌથી વધારે લીડ સાથેની જીત હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 68.62 ટકા મતદાન થયું હતું.ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતા.