રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, ત્યારે ગઇ કાલે જ પાટણમાં એક જ રખડતા ઢોરના ત્રાસની ઘટના સામે આવી હતી જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી હતી. તેવામાં હવે રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. રખડતા ઢોર છાશવારે રાહદારીઓને ઢીંકે ચડાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ શહેરમાં રસ્તે રઝડતા પશુઓને ડબ્બે પુરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે તેને પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.
રાજ્યમાં અનેક લોકો રખડતા ઢોરની ઢીંકે ચડે છે ત્યારે શહેરના પોલીસકર્મી જ તેનો ભોગ બન્યા છે. ગાયે 2 મહિલા પોલીસને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂરી કરીને મહિલા પોલીસકર્મીઓ ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે બની હતી. ગાયે મહિલા પોલીસને ઢિંક મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે બાદ તેમને સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. રખડતા ઢોરે વૃદ્ધ તેમજ બાળકને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વખત શહેરમાં સામે આવતા મહાનગરપાલિકાના પશુરંજાડ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં શુક્રવારના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ બે રખડતા ઢોર આપસમાં બાખડતા એક વૃદ્ધ અને એક બાળકને પોતાની ઝપેટમાં લીધા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જેમાં જોવા મળ્યું હતું કે, રસ્તાની એક તરફ જઈ રહેલા વૃદ્ધ અને બાળકને કઈ રીતે રખડતા ઢોર પોતાનું નિશાન બનાવે છે.
પાટણમાં રખડતા ઢોરે ભાજપના નેતાને અડફેટે લીધા
રાજ્યમાં અનેક લોકો રખડતા ઢોરના શિકાર બની રહ્યા છે, ત્યારે પાટણ ભાજપના નેતા અને ભાજપના પૂર્વ પ્રમુખ રખડતા ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. સુરેશ પટેલને રખડતા ઢોરે અડફેટે લેતાં હોસ્પિટલ ખસેડાયા છે. રતનપોળ વિસ્તારમાંથી પસાર થતી વેળા સમયે રખડતા ઢોરે તેમની પર હુમલો કર્યો હતો. પાટણ નગર પાલિકાની ખાડે ગયેલી કામગીરીનો ભાજપના જ નેતા શિકાર બન્યા છે.