આગામી ફેબ્રુઆરીના અંતમાં રાજ્ય સરકારનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બજેટ લક્ષી બેઠકોની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. વિભાગ પ્રમાણે બજેટની બેઠકો આજથી શરૂ કરવામાં આવી છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધક્ષતામાં બેઠકો યોજાઈ રહી છે.
અઠવાડિયામાં ત્રણ દિવસ બેઠકો યોજાશે
ગુજરાત સરકારના 26 જેટલા વિભાગો આવેલા છે. દરેક વિભાગની તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. બજેટની બેઠકો માટે અઠવાડિયાના ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા છે. અઠવાડિયાની ગુરુવાર શુક્રવાર અને શનિવારના દિવસે બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના 26 વિભાગો બજેટને લઈને નાણા વિભાગ પ્રપોઝલ મુકશે. ગત વર્ષે નાણાકીય વર્ષના હિસાબો પણ રજૂ કરવામાં આવશે જે અંતર્ગત કેટલા રૂપિયાનો ખર્ચ થયો અને કેટલા રૂપિયા હજી પણ વપરાયેલા રહ્યા છે તે તમામ વિગતો બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ અંતિમ નિર્ણય રાજ્યના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવશે.
8 જાન્યુઆરી સુધી બજેટ બેઠક યોજાશે
ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2023 24 માટેના બજેટ બાબતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિગત આપતા જણાવ્યું હતું કે 29 ડિસેમ્બર થી બજેટલક્ષી વિભાગ પ્રમાણેની બેઠકો શરૂ કરવામાં આવશે. બેઠકો 8 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરી સુધીમાં રાજયના તમામ 26 વિભાગોની બજેટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંતિમ ફાઇનલ બજેટની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
વર્ષ 2022-23નું 17 હજાર કરોડના વધારા સાથેનું બજેટ હતું
ગુજરાત સરકારના વર્ષ 2021- 22 કરતા વર્ષ 2022-23માં કુલ 17 હજાર કરોડના વધારા સાથેનું કુલ 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. વર્ષ 2023-24માં બજેટમાં વધારો થઈ શકે છે. આમ આ વર્ષે પણ નવા બજેટમાં વધારો થશે.
આગામી 2023-24નું બજેટ કેવું હશે
વર્ષ 2023-24નું બજેટ પણ કોઈ પણ પ્રકારના કરવેરા વધારા વગરનું હોવાનું માહિતી સામે આવી રહી છે. ગઈ બજેટ કરતા 2023/24નું બજેટ વધારા સાથે હોય તેવી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત બજેટમાં રોજગાર, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઉધોગને વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવી માહિતી સામે આવી રહી છે. આ ઉપરાંત બજેટમાં ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન વધારે મહત્વ આપવામાં આવશે