નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા આજે પણ જાળવી રાખી
દિલ્હીથી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલ્યો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ વડાપ્રધાને મોકલેલો પ્રસાદ લઈને મંદિર પહોંચ્યા
આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે.
પીએમ મોદીએ મોકલવેલો પ્રસાદ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિર આવ્યા હતા. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગન્નાથ મંદિરે રથયાત્રાના અગાઉના દિવસે પ્રસાદ મોકલાવતા હતા. તે પ્રમાણે જ આજે તેમણે મગ, જાંબુ, કેરીનો પ્રસાદ મોકલાવ્યો છે.
પ્રસાદ આવતા જ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈને નગરચર્ચાએ નીકળવાના છે, ત્યારે ભગવાનના રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રાતે રથને શણગારવામાં આવશે અને ભગવાન જગન્નાથ આવતીકાલે સવારે આ રથમાં બિરાજીત થઈને નગરચર્ચાએ જશે.