ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યો છે. એવામાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં EVM ખોટકાયાના સમાચાર સામે આવી રહ્યાં છે. જેના કારણે મતદાતાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ અનેક પોલિંગ બૂથ પર EVM બંધ થયાની બૂમો ઉઠી રહી છે.
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં EVM 45 મિનિટ સુધી બંધ રહ્યું હતુ. જેના કારણે મતદાન પ્રક્રિયા ખોરંભે ચડતા વોટ આપવા આવેલા મતદારો અકળાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આવી જ રીતે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ EVM ખોટકાયું હતુ.
આ ઉપરાંત મહેમદાબાદ તાલુકાના કેસરા ગામના મતદાન મથકમાં પણ અડધા કલાક સુધી EVM ખોટકાતા મત આપવા આવેલા લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આવી જ રીતે પંચમહાલના હાલોલમાં પણ EVM મશીનમાં ખામી સર્જાતા, તેને તાત્કાલીક બદલી દેવામાં આવ્યું હતુ.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વંકલા ગામે પણ મતદાન મથકમાં EVMમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે મતદાન પ્રક્રિયા 40 મિનિટ મોડી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મતદાન મથક પર મત આપવા આવેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જ્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની કન્યા શાળાના પોલિંગ બૂથમાં પણ EVM મશીન ખોટકાતા મતદારો હેરાન થયા હતા.
અહીં પણ EVMમાં ખામી સર્જાઈ
ખાડિયા-જમાલપુરમાં પીઆર ટ્રેનિંગ સ્કૂલમાં ઉભા કરવામાં આવેલા મતદાન મથક, હિંમતનગરના ગામડીના મતદાન મથકમાં, દાહોદ શહેરના વોર્ડ-નંબર-3માં તેમજ હાલોલની વીએમ સ્કૂલના મતદાન મથક પર EVM ખોટકાયું હતુ.