કચ્છનું મુખ્ય પ્રવાસન પર્વ એટલે કે રણોત્સવનું આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યું હતું. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાના કારણે સર્જાયેલી હોનારતના કારણે આ વર્ષે સાદગીપૂર્ણ રીતે રણોત્સવનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પ્રથમ વખત ખુલ્લો મુકાયેલ રણોત્સવ ફેબ્રુઆરી મહિનાની અંત સુધી પ્રવાસીઓ માટે કચ્છનું મુખ્ય આકર્ષણ બનશે તો અનેક કારીગરો અને ધંધાર્થીઓ માટે રોજગાર ઉભુ કરશે.
2001 માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપ બાદ આ જિલ્લાને ફરી ઉભો કરવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2006 માં ભુજમાં વાર્ષિક કચ્છ કાર્નિવલ સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરી હતી. શરૂઆતમાં માત્ર ત્રણ દિવસ માટે યોજાતા આ પર્યટન પર્વને ભારે લોકચાહના મળ્યા બાદ તેની અવધિ સતત વધારવામાં આવતી ગઈ અને આજે આ ઉત્સવ 100 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
2006 થી એક પરંપરાની જેમ જ રાજ્યના મુખ્યમંત્રી રણોત્સવનું પ્રારંભ કરાવતા આવ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રણોત્સવનો પ્રારંભ થવાનો હતો પરંતુ થોડા દિવસો પહેલા જ મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કારણે 132 થી વધારે લોકોના મોતની કરુણ ઘટના બનતા મુખ્યમંત્રીએ પોતાની પ્રવાસ રદ્દ કર્યો અને આ પરંપરા તૂટી હતી. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે રણોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કચ્છના ધોરડો ગામ પાસે આવેલા મીઠાના અફાટ સફેદ રણમાં થતાં આ વાર્ષિક રણોત્સવમાં આ વર્ષે 140 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. કચ્છી હસ્તકળા, કારીગરી, પહેરવેશ, ખાણી-પીણી સહિત દરેક વસ્તુઓ અહીં પ્રવાસીઓને મળી રહે છે. આ 100 દિવસના ઉત્સવમાં ફક્ત ખાવડા અને બન્ની વિસ્તારના જ નહીં પરંતુ કચ્છભરના કારીગરો અને ધંધાર્થીઓ અહીં વેંચાણ કરવા આવે છે. તો સ્થાનિકે અનેક ધંધાર્થીઓની સમગ્ર વર્ષની આવક જ રણોત્સવ માંથી ઊભી થાય છે.
ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન મુતવાએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ રણોત્સવ થોડો નબળો રહ્યો હતો પરંતુ આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનું બુકિંગ થઈ રહ્યું છે. \”રણોત્સવના કારણે અમારા ગામનો પણ અનેકગણો વિકાસ થયો છે. ભિરંડિયારાથી ધોરડો સુધી કુલ 37 રિસોર્ટ બની ગયા છે એમને પણ આ રણોત્સવની સીઝનમાં ખૂબ ફાયદો થાય છે. ખાવડાથી ધોળાવીરા સુધીનો માર્ગ પણ શરૂ થઈ જતાં પ્રવાસનની આખી સર્કિટ ઊભી થઈ છે,\” તેવું સરપંચે જણાવ્યું હતું.
રણોત્સવમાં પોતાનું સ્ટોલ ઊભું કરનાર અંજાર તાલુકાના સુગારિયા ગામના રસીલાબેને જણાવ્યું હતું કે આ વર્ષે દરેક ધંધાર્થીઓ અને ખાસ કરીને બહેનોને રણોત્સવમાંથી સારી આવક ઊભી કરવાની આશા છે. \”કચ્છમાં હસ્તકળા કારીગરી કરતી અનેક બહેનો કચ્છ બહાર ક્યાંય પ્રદર્શનમાં જતા નથી ત્યારે રણોત્સવ તેમના માટે ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે છે. છેલ્લા બે વર્ષથી રણોત્સવ નબળો રહેતા ધંધો પણ નબળો રહ્યો હતો પરંતુ આ વર્ષે રણોત્સવથી એમને ઘણી આશા છે.