- કોરોના સહાયને લઈ હાઇકોર્ટ સરકાર પર ખફા
- સરકારી આંક અને સહાયના આંક વિસંગતતા
- કોરોના મૃકતો 10 હજાર જ્યારે સહાય માટે 1 લાખ અરજી
વૈશ્વિક મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોનાથી મોતનો સરકારી આંક 10 હજાર બતાવ્યો છે. જોકે, વિરોધ પક્ષોએ આ આંકડાઓને ખોટા ગણાવીને કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકાર અને વિપક્ષની પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજ્યમાં લગભગ 1 લાખ પરિવારોએ વળતરનો દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે તેમના સંબંધીનો કોરોનાને કારણે જીવ ગયો છે. સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ એક મોટો મુદ્દો બની ગયો છે. કોરોનાથી થયેલા મોતની ચર્ચા હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે.
આ મામલે હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી છે. કોરોનાથી માર્યા ગયેલા લોકોને વળતર આપવાના પ્રશ્ન પર કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, વળતર આપવું જોઈએ. આમ કરીને સરકાર લોકો પર કોઈ ઉપકાર નથી કરી રહી.જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓ વળતર માટે ક્લેમ કરી રહ્યા છે. હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે કે જે પણ સત્તાવાર આંકડા છે તે આપવામાં આવે. કોરોનાથી માર્યા ગયેલા લોકોના નામ, મૃત્યુની તારીખ અને તેમના સરનામાની યાદી તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરો. કોર્ટે સરકારને ગુજરાતમાં માર્યા ગયેલા લોકોના આંકડાને આડે પાટે ન ચડાવવા કહ્યું છે.
કોર્ટે સરકારને પૂછ્યું છે કે તમે તમારા આંકડા રજૂ કરો. સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે 10580 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જે 7 ફેબ્રુઆરીએ વધીને 10688 થઈ ગઈ છે. પરંતુ, કોરોનાના કારણે મૃત્યુ પામેલા આવા લગભગ 1 લાખ પરિવારો વળતરનો દાવો કરી રહ્યા છે. ઘર્ષણનો મુદ્દો એ છે કે શું સત્તાવાર આંકડા સાચા નથી કે પછી આટલી અરજીઓ ખોટી પડી છે.