G20 સમીટ અંતર્ગત દેશની પ્રથમ પ્રવાસન બેઠક ફેબ્રુઆરી મહિનામાં કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મંધ્યે મળવાની છે. વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ પ્રસંગે ભારતના અને કચ્છના મહેમાન બનવાના છે ત્યારે તેમના આવકાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી ગઈ છે. આ પ્રકારની આંતરાષ્ટ્રીય બેઠક પ્રથમ વખત કચ્છમાં યોજાઇ રહી છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે તો મુખ્ય સમીટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાઈ પ્રવાસન મુદ્દે વિશ્વના વિવિધ દેશના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
આ વર્ષે દુનિયાના 20 દેશોના સમૂહ G20નું અધ્યક્ષપદ ભારત પાસે છે ત્યારે આ અંતર્ગત યોજાનારી પહેલી બેઠક કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં યોજાવાની છે. તારીખ 7 ફેબ્રુઆરીના વિદેશી મહેમાનો કચ્છ પહોંચવા બપોર સુધી ભુજ એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યાંથી સફેદ રણની ટેન્ટ સિટી સુધી તેમને લઈ જવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે અને સાંજના સમયે સફેદ રણના વોચ ટાવર પર યોજાનારા લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ઉપસ્થિત રહેશે.
તો 8 તારીખે G20ની મુખ્ય બેઠકમાં વિવિધ દેશોથી પધારેલા પ્રતિનિધિઓ સફેદ રણ ખાતે જ પ્રવાસન પર ચર્ચા કરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ સમીટમાં જોડાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી મહેમાનોનું સ્વાગત કરી તેમને કચ્છની સાથે ભારતના પ્રવાસન પર એક સંક્ષિપ્ત માહિતી આપશે. ઉલ્લેખનીય છે કે 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલા કચ્છને ઊભો કરવામાં સિંહફાળો ભજવેલા નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસનના વિકાસ પર પણ ખૂબ ભાર મૂકશે.
તારીખ 9ના G20ના સભ્યો વિશ્વ ધરોહર ધોળાવીરાની મુલાકાત લઈ પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો નિહાળશે અને બપોર બાદ ભારતના એકમાત્ર ભૂકંપ મ્યુઝિયમ સ્મૃતિ વનની મુલાકાત લેશે. આ માટે ખાવડાથી ધોળાવીરાને જોડતા માર્ગનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે અને સ્મૃતિ વન ખાતે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.