ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી
ચક્કર આવતા આ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણામા હિરાના કારખાનામાં મજૂરી કરતો રત્નકલાકાર યુવાન કારખાનાના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી.
આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં “પોપડા” તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક હિરાના કારખાના આવેલા છે. જેમાં પાલીતાણા તાલુકાના ગામડાઓમાંથી સેંકડો રત્નકલાકારો હિરા ઘસવાની મજૂરી કામ માટે દરરોજ અપડાઉન કરે છે.
આ વિસ્તારમાં પાલીતાણા તાલુકાના સેંજળીયા ગામનો 28 વર્ષિય યુવાન પ્રદિપ ભાવેશભાઈ ગુજરાતી નામનો રત્નકલાકાર પણ પોતાના ગામેથી દરરોજ હિરા ઘસવા માટે પાલીતાણા પોપડા વિસ્તારમાં આવતો હોય આજરોજ સવારે નિત્યક્રમ મુજબ આ યુવાન કારખાને આવ્યો હતો. આ દરમિયાન ઈમારતના ત્રીજા માળે પાણી પીવા ઉભો રહ્યો હતો.
એ દરમિયાન ચક્કર આવતા આ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ લોકોએ તત્કાળ સારવાર અર્થે પાલીતાણાના સદ્દવિચાર હોસ્પિટલમાં યુવાનને ખસેડ્યો હતો, જયાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ઈમારત પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર બનાવની જાણ પાલીતાણા ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.