કહેવાય છે કે, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો પ્રયલ અને નિર્માણ તેની ગોદમાં ઉછરે છે. શિક્ષકની મહત્તા દર્શાવતી ચાણક્યની આ ઉક્તિઓ વર્તમાન સમયમાં શિક્ષક માટે કદાચ ખોટી ઠરે છે. કેમ કે, લાભની ઈચ્છા અસાધારણ ગણાતા શિક્ષકને પણ સાધારણ કૃત્ય કરવા પ્રેરે છે. શિક્ષકો દ્વારા લાભ માટે સામાન્ય કરતૂતનો તાજો કિસ્સો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં શિક્ષકોએ ઉચ્ચતર પગારધોરણનો લાભ લેવા માટે ટ્રિપલ સીના બોગસ સર્ટી રજૂ કરી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રીપલ સીના બોગસસર્ટી રજૂ કરવામાં સૌથી વધારે મહેમદાવાદ તાલુકાના શિક્ષકોની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. આથી 55 શિક્ષકો સામે કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, બોગસ ટ્રીપલ સી સર્ટીનું કૌભાંડ માત્ર કોઈ એક જિલ્લા પૂરતું સીમિત નથી. બનાસકાંઠામાં પણ પ્રાથમિક શિક્ષકો દ્વારા બોગસ સર્ટિ રજૂ કરવાના અને તેમની સામે કાર્યવાહીની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં 22 પ્રાથમિક શાળાના શિક્ષકોએ CCCના બોગસ સર્ટિ રજૂ કર્યાં હતા. જેમાંથી 5 શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. બાકી તમામ શિક્ષકોને પણ ઉચ્ચતર પગાર ધોરણના લાભો રદ કરવા અને રિકવરી માટે નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
રાજ્યના 49 શિક્ષકોએ ખોટા CCC સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવશે. ખોટા CCC સર્ટિફિકેટ મેળવેલા તમામ 49 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમના ઉચ્ચતર પગાર ધોરણના લાભો રદ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે આ શિક્ષરોને ચુકવેલી રકમ પણ પરત લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે ઉચ્ચત્તર પગારનો લાભ લેવા માટે CCCનું પ્રમાણપત્ર ફરજિયાત છે. પરંતુ ઘણા શિક્ષકોને કમ્પ્યુટર ન આવડતું હોવાથી અને પગારવધારાનો લાભ લેવાની લાલચમાં ગેરરીતિ કરીને ખોટા સીસીસી પ્રમાણપત્ર લીધા હોવાનો ખુલાસો થયો છે. રાજ્યની હિસાબ અને તિજોરી નિયામકની કચેરીએ શિક્ષણ સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખીતમાં જાણ કરી છે કે શિક્ષકોની સેવાપોથી અને રેકોર્ડની તપાસ કરતા 49 શિક્ષકોએ સીસીસીના ખોટા અને બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું જણાય છે.
રાજય સરાકારે ઉચ્ચતર પગાર ધોરણ માટે સીસીસીની પરીક્ષા નક્કી કર્યા બાદ તમામ સરકારી કર્મચારીઓએ આ પરીક્ષા પાસ કરીને વિભાગી કચેરીમાં સીસીસીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ પ્રમાણપત્ર બાદ જ ઉચ્ચતર પગાર મળતો હોય છે. વર્ષો પહેલા કેટલાક શિક્ષકોએ જે પ્રમાણપત્ર જમા કરાવ્યા હતા તેમાં અત્યારે ખામીઓ કઢાઈ છે અને પ્રમાણપત્રો ખોટા હોવાનું પ્રાથમિક દ્વષ્ટીએ લાગતા 49 શિક્ષકોને ગાંધીનગરનું તેડુ આવ્યું છે.
આ પ્રમાણપત્રોમાં અલગ અલગ ગેરીરીતી સામે આવી છે જેમ કે એક શિક્ષકના પ્રમાણપત્રમાં પરીક્ષા કેન્દ્રનો જ ઉલ્લેખ નથી જ્યારે બે શિક્ષકના પ્રમાણપત્રમાં પરીક્ષાનો સીટ નંબર એક સરખો જોવા મળ્યો હતો સાથે જ એક શિક્ષક ઓનલાઇન લિસ્ટમાં નાપાસ છે, જ્યારે પ્રમાણપત્રમાં પાસ બતાવાયા છે તો અન્ય એકમાં પરીક્ષાનો બેઠક નંબર કોઇ અન્ય નામ અને તે જ નંબરના પ્રમાણપત્રમાં શિક્ષકોના નામ છે. આ બધી શંકાના આધારે આખુ કૌભાંડ બહાર આવ્યું છે.