ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે જ્ઞાન ગુરૂ ક્વિઝનો કરાવ્યો પ્રારંભ
25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે એવું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્યવ્યાપી સ્પર્ધાને ડિજીટલ ઓપ આપવામાં આવ્યો છે.
‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે. દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે એમ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આભને આંબ્યો છે. શિક્ષણ સહિતના ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ રાજ્યની બાળ અને યુવા પેઢીને ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં સહભાગી બનાવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સરકારની વિવિધ યોજનાઓનું સેચ્યુરેશન -100 ટકા લાભાર્થી ક્વરેજ સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ ક્વિઝથી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું.રાજ્ય સરકારની દરેક યોજનાઓ સામાન્યમાં સામાન્ય માનવીને કેનદ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, એમાં આ ક્વિઝ એક અગત્યનો ભાગ ભજવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે.