ગુજરાતના મહાનગરોમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધતો જઇ રહ્યો છે. સુરતમાં શ્વાને નાની બાળકીનો ગાલ ફાડી ખાધાની ઘટના બાદ હવે વડોદરામાં પણ શ્વાને શ્વાન પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રખડતા શ્વાને એક વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા. શ્વાને વૃદ્ધા પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં ICUમાં છે.
વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વડોદરામાં નિઝામપુરામાં રખડતા શ્વાને એક વૃદ્ધા પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નિઝામપુરાના અમરપાર્કમાં રહેતા વૃદ્ધા અમદાવાદમાં પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઇને વડોદરા ઘરે પરત ફર્યા હતા. વૃદ્ધાએ કાર ડ્રાયવરને ઘર સુધી મુકી જવાની જરુર ન હોવાનું જણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે હું પોતે જ ચાલતી ઘરે જતી રહીશ. જો કે તે ચાલતા ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન જ રખડતા શ્વાને તેમના પર હુમલો કર્યો હતો. રખડતા શ્વાને વૃદ્ધા હાથ-પગ અને પીઠમાં પણ બટકા ભર્યા હતા. જે પછી વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધા હજુ પણ સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાન મામલે હાઇકોર્ટમાં અરજી થયેલી છે. આ અરજી પર થોડા દિવસ પહેલા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે પાલતુ શ્વાન પાળવા મુદ્દે મહત્વની ટકોર કરી હતી. હાઇકોર્ટે સવાલ કર્યો કે શું તમને માણસોના જીવની ચિંતા નથી ? જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ. હાઇકોર્ટે જણાવ્યું કે તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો એ જ ડોગ બીજાને કરડે છે. જો શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો. શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓની માથાકૂટનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી.