૫મી સપ્ટેમ્બરએ શિક્ષક દિનની ઉજવણી થવાની છે ત્યારે એ દિવસે જ અધ્યાપક સહાયકો કાળી પટ્ટી કાળા કપડાં પહેરીને શૈક્ષણિક કાર્ય કરશે. અધ્યાપક સહાયકો પ્રત્યે સરકારના બેવડા માપદંડોનો વિરોધ કરશે. ગુજરાત રાજ્યની ૩૫૬ ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ વર્ષ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી, ફાજલ તરીકેનું રક્ષણ આપવું, સાતમાં પગાર પંચ મુજબ ફિક્સ પગારમાં વધારો કરવો વગેરે બાબતે સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૦ કરતાં પણ વધારે આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ સરકરના પેટનું પાણી પણ હલતું ન હોવાથી અધ્યાપક સહાયકો પણ હવે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર થયા છે.
અધ્યાપક સહાયકો આ સત્યાગ્રહની શરૂઆત ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે કાળી પટ્ટી કાળા કપડાં પહેરીને કરશે. ગુજરાત રાજ્ય અધ્યાપક સહાયક મંડળના પ્રમુખ ડૉ . શશિકાંત તેરૈયા એક યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકારે વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો સહિત ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાની જોગવાઈ કરેલ છે. ત્યારે માત્ર ૧૨૦૦ જેટલા અધ્યાપક સહાયકોને જ આ લાભથી વંચિત રાખી તેઓની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરીને વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણેલ છે. ત્યારબાદ હાલમાં 17 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં વર્ષ ૨૦૦૬ પહેલાની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓની નોકરી પણ સળંગ ગણવાનો નિર્ણય કર્યો ત્યારે તેમાથી પણ અધ્યાપક સહાયકોને વંચિત રાખવામાં આવ્યા છે. જેના લીધે સમગ્ર અધ્યાપક આલમમાં સરાકર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે અને જેનો વિરોધ અધ્યાપકો શિક્ષક દિન ના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કરશે.