ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
નાળાં-કેનાલો અને વોકળાઓ છલોછલ ભરાઈ જતાં છલકાયાં
સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં અષાઢી બીજથી વરસેલા ભારે વરસાદથી જંગલ અને એની આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના પ્રખ્યાત એવા પ્રાંચી તીર્થ અને ત્રણ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં તીર્થભૂમિ પ્રાંચીમાં લીલોતરી સોળે કળાએ ખીલેલી અને નદીમાં ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યાનો અદભૂુત નજારો સામે આવ્યો છે.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ એવરેજની સરેરાશ સામે વેરાવળ-સોમનાથ પંથકમાં 75 ટકા, તાલાલામાં 59 ટકા, કોડીનારમાં 88 ટકા, ઉનામાં 65 ટકા અને ગીરગઢડામાં 74 ટકા જેવો ભારે વરસાદ વરસ્યો છે. આટલા ભારે વરસાદને પગલે પંથકની નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે, જ્યારે નાળાં-કેનાલો અને વોકળાઓ છલોછલ ભરાઈ જતાં છલકાયાં છે. તો જિલ્લામાં લીલોતરી પણ સોળે કળાએ ખીલી ઊઠી જોવા મળી રહી છે.
ગીર જંગલમાંથી શરૂ થઈ તાલાલા પંથકનાં ગામોમાંથી પસાર થઈ સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થના માધવરાય મંદિરના પટાંગણમાંથી પસાર થઈ સોમનાથ સાંનિધ્યે ત્રિવેણી સંગમમાં પહોંચતી સરસ્વતી નદીનાં દૃશ્યો ઊડીને આંખે વળગે તેવા છે. આ નદીના નીર પ્રાંચી તીર્થ અને મંદિરના પટાંગણમાંથી ધસમસતા વહેતા હોય એવો અદભુત આકાશી નજારો જોવા મળ્યો છે. આ તીર્થના અને નદીના ડ્રોન દ્વારા લેવાયેલાં અવકાશી દૃશ્યો નિહાળી સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
પંદર દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં અને ગીર જંગલમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 1115 મિમી એટલે 45 ઈંચ જેવો ભારે વરસાદ ચોમાસાની સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ વરસી ગયો છે, જે તાલુકાની સીઝનની એવરેજનો 134 ટકા જેટલો થાય છે.હાલ પંદર દિવસમાં પડેલા ભારે વરસાદ બાદ ગીર સોમનાથ જિલ્લામાં અદભુત કુદરતી સૌંદર્યનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે “સો વાર કાશી અને એક વખત પ્રાંચી”ના સૂત્રથી પ્રખ્યાત એવા જિલ્લાના પ્રાંચી તીર્થના સમગ્ર વિસ્તાર અને એની આસપાસ ખેતરોની ખીલેલી લીલોતરી સાથે સરસ્વતી નદીના અદભુત આકાશી દૃશ્યો નજરે પડ્યાં હતાં.