મહિતે પહેલાં જ દિવસથી તૈયારી શરૂ કરી
99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો
JEE મેઈન્સમાં સુરતના વિદ્યાર્થીએ બાજી મારી
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન્સ પરીક્ષા જૂન 2022માં લેવામાં આવી હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સુરતના મહિત રાજેશ ગઢીવાલાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવનારા મહિતને તેમના શિક્ષકો અને માતાપિતાએ અભિનંદન આપ્યાં હતાં. મહિતના માતા પિતાએ જણાવ્યું હતું કે, મહિતને 99.99 પર્સેન્ટાઈલ મળ્યાં છે. આગામી સમયમાં મહિત જેઈઈની એડવાન્સ એક્ઝામ આપીને આગળ અભ્યાસ કરશે.
મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલાએ જણાવ્યું હતું કે, અમે હું અને મહિતના માતા ડો. પ્રેમલ બન્ને તબીબી જગત સાથે સંકળાયેલા છીએ. અમે બન્ને મહિતને પૂરતી છૂટ આપી હતી. મહિત પણ પહેલા જ દિવસથી તૈયારીમાં વ્યસ્ત રહેતો હતો. હાલ મહિત ચોથી ઓલિમ્પિયાડ કેમેસ્ટ્રી માટે ગયો છે. તેને આ પરિણામની પણ જાણ નથી. અમને આ રિઝલ્ટ મળતા અમે હરખની લાગણી અનુભવીએ છીએ. મહિત નવમાં ધોરણથી જ જુનિયર ઓલિમ્પિયાડ માટે દોહા ગયો હતો. ત્યારથી તેના જીવનમાં ટર્ન આવ્યો અને દેશ માટે કંઈક કરી છૂટવા માટે થઈને આગળ વધતો ગયો અને હાલ આ સફળતા મેળવી છે.
મહિતના માતા ડો. પ્રેમલ ગઢીવાલાએ જણાવ્યું હતું કે, મહિત નવમાં ધોરણમાં આવ્યો ત્યારથી તેણીએ તબીબી પ્રેક્ટિસ છોડી દીધી છે. તેણી ડેન્ટિસ્ટ છે. છેલ્લા ચાર વર્ષથી મહિતને તૈયારી કરાવી રહી છે. આગામી સમયમાં મહિત દેશ માટે કંઈક કરી બતાવે તે માટે થઈને પોતે પોતાની પ્રેક્ટિસનું બલિદાન આપી દીધું છે.
મહિતના માતા પિતાએ જણાવ્યું હતું કે, મહિત સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. તે અભ્યાસની સાથે સાથે ફિલ્મો જોવા સહિતની ઈતરપ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે. પરંતુ સમય વેસ્ટ કરતો નથી. તેને અભ્યાસમાં અને કંઈક ડિપમાં સંશોધન કરવાની ટેવ છે. તેણે ધોરણ 10માં પણ બાયોલોજી અને મેથ્સ સાથે અભ્યાસ કર્યો હતો. હજુ પણ તે બધા વિષયો સાથે આગળ વધી રહ્યો છે.
આઈઆઈટીમાં અભ્યાસની ઈચ્છા રાખનાર મહિતના શિક્ષકોએ કહ્યું કે, એલનમાં તે નવમાં ધોરણથી અભ્યાસ કરી રહ્યો છે. ક્લાસમાં અભ્યાસની સાથે સાથે તે રોજના ચાર કલાક જેટલી તૈયારી કરતો હતો. શિક્ષકો દ્વારા પણ પૂરતો સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. આ સિવાય અન્ય વિદ્યાર્થીઓએ પણ સફળતા મેળવી છે. જે અમારા માટે ગર્વની વાત છે.