તલાળા તાલુકાના ધાવા ગામમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પાંચ દિવસ પૂર્વે એક 14 વર્ષીય સગીરાની બલિ ચડાવીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પાંચ દિવસ પહેલાંની ઘટના મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, પાંચ દિવસ પહેલાં આ ઘટના બની હતી.
તેને લઈને બે દિવસ પહેલાં પોલીસને આ પ્રકારની બાતમી મળી હતી. તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં આ ઘટનાનો ખુલાસો થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, સગીરાને અંધશ્રદ્ધામાં જ તાંત્રિકો પાસે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની બલિ ચડાવવામાં આવી હતી.
બલિ ચડાવ્યા બાદ તેને ફરીથી જીવતા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ બાળકી જીવતી થઈ નહોતી. ત્યારબાદ બાળકીના મૃતદેહળને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગામલોકોની ચર્ચા પ્રમાણે માહિતી મળી હતી કે, પિતાએ જ તાંત્રિકોને બોલાવ્યા હતા અને તેઓ જ સગીરાને લઈ ત્યાં લઈ ગયા હતા.
તેના પિતા દ્વારા જ આ પ્રકારની વિધિ કરવામાં આવી હતી. ત્યારે હાલ પોલીસે આ મામલે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો તપાસમાં મોકલી છે. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સગીરાના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ધાવા ગીર ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ પહેલાં સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી જ વતને આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ઘૈર્યા ધોરણ 9મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8મા નોરતાએ બાળકીની પિતા એ જ બલિ ચડાવી દીધી હતી તેવી પોલીસને બાતમી મળી હતી.
પોલીસ તપાસ કરતા ભાવેશભાઈ અકબરીની વાડીમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું ઝબલું મળી આવ્યું હતું. તેમાં બાચકામાંથી કપડા નીકળ્યા હતા અને રાખ મળી આવી હતી. ત્યારે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો નથી મળ્યો.