ભરૂચના નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઇ પણ પ્રકારની દુર્ઘટના નથી ઘટી. ગેંગમેનની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઇ. ગેંગમેનને ચેકિંગ દરમ્યાન તૂટેલી હાલતમાં પાટો મળી આવતા તાત્કાલિક ધોરણે વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને નબીપુર-પાલેજ પાસે ઉભી રાખી દેવાઇ.
નબીપુર નજીક રેલવેની અપલાઈનનો પાટો તૂટવાના કારણે અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર પણ 30 મિનિટ સુધી ઠપ રહ્યો હતો. મહત્વનું છે કે, ઠંડી અને ગરમીના કારણે રેલવેના પાટા સંકોચાવાની વિસ્તરણની ઘટના દરમ્યાન હજારો ટન વજનની ટ્રેન પુરપાટ ઝડપે ટ્રેક ઉપરથી પસાર થાય ત્યારે આ પ્રકારની ટ્રેક ફેક્ચરની ઘટના ઘટતી હોય છે.
તમને જણાવી દઇએ કે, ક્યારેક અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતી હોય છે ત્યારે જે-તે ભાગ નબળો પડી જવાથી તૂટી જાય છે. આવી જ એક ઘટના સોમવારના સવારે 9 કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ઘટી હતી. વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો પાટો તૂટી ગયો હતો. આથી, જ્યારે સોમવારે સવારે ફરજ બજાવનાર ગેંગમેનના ચેકિંગ દરમ્યાન પાટો તૂટેલી હાલતમાં દેખાતા તુરંત વડોદરાથી ભરૂચ તરફ જતી 3 ટ્રેનોને અટકાવી દેવાઇ.
રેલવે ટ્રેક ચેકિંગ દરમ્યાન પાટો તૂટ્યાનું ધ્યાને આવતા તુરંત આ ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. મહત્વનું છે કે, પાટામાં ભંગાણની જાણ PWIને પણ કરવામાં આવી હતી. આથી, કહી શકાય કે રેલવે ગેંગમેનની સમયસૂચકતાથી મોટી રેલવે દુર્ઘટના ઘટતા-ઘટતા ટળી ગઈ.