કચ્છમાં બન્યું રાજ્યનું પ્રથમ ATM જેવું એજ્યુકેશન કિઓસ્ક મશીન
રૂ.સવા લાખના ખર્ચે 5 માસની મહેનત બાદ બન્યું મશીન
માંડવીના હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે ફરી બતાવી કમાલ
ગુજરાતના પ્રાથમિક શિક્ષણક્ષેત્રે ઇનોવેટીવ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણની કાયાપલટ કરવામાં આવી રહી છે.પાટી પેનની જગ્યા હવે કોમ્પ્યુટરે લીધી છે. દિન પ્રતિદિન ટેકનોસેવી શિક્ષકો દ્વારા કંઇક નવું કરવામાં આવી રહ્યું છે ત્યારે કોરોનાકાળમાં ઘરે ઘરે શિક્ષણની જ્યોત પહોંચાડવા માટે કચ્છના માંડવી તાલુકાના હુંદરાઇ બાગ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક દિપકભાઈ જેઠાલાલ મોતાએ રાજ્યમાં પ્રથમ વખત ભારતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા ‘શિક્ષણ રથ’ અને ‘દ્વિચક્રી શિક્ષણ યાનમ‘ શરૂ કર્યા હતા. જે બાદ હવે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય એ પ્રકારે એટીએમ જેવું એજ્યુકેશન કિયોસ્ક બનાવ્યું છે. ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 બાળકોને મશીનનો લાભ મળશે.
વેકેશનનાં સમયનો સદુપયોગ કરી બાળકો સ્વયંશિક્ષણ મેળવી શકે એવા શુભ હેતુથી વેકેશનમાં ધોરણ 1 થી 8 ના ગુજરાતી માધ્યમના બાળકો માટે ખાસ પ્રોજેક્ટ ‘ગુજરાતનું સર્વ પ્રથમ એજ્યુકેશનલ કિઓસ્ક – ATE ( Any Time Education )’ નું છાત્રાર્પણ GCERTના પૂર્વ નિયામક ડૉ. નલિન પંડિત અને ડૉ. ટી.એસ.જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સંન જયાબેન ચોપડા,દર્શનાબેન ધોળકિયા, નરેશ અંતાણી, ગોરધન પટેલ કવિ, દેવ્યાનીબેન પંડિત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ડાયટ ભુજનાં પ્રાચાર્ય સંજય ઠાકરે માર્ગદર્શન આપ્યું હતું. સંચાલન હિરેન મોતા અને મુકેશ મોતાએ કર્યું હતું.
ATE નો અર્થ થાય છે Any Time Education. આ એક ટચ સ્ક્રીન એજ્યુકેશનલ કિઓસ્ક છે. જેમાં ધો.1 થી 8 ના ગુજરાતી માધ્યમના દરેક વિષયનું કન્ટેન્ટ વિડિયો સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. વેકેશન દરમિયાન બાળક દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી પોતાના અનુકૂળ સમયે એનો ઉપયોગ કરી પોતાનું શૈક્ષણિક કાર્ય આગળ વધારી શકે છે.
ATE like ATM.જેમ આપણે એ.ટી.એમ.નો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે ATE નાં સ્ક્રીન પર બતાવવામાં આવતા ઓપ્શનને સિલેક્ટ કરી કિઓસ્ક ઉપયોગ કરી શકશે. નિર્માણમાં મિત્રો શીતલભાઈ કંસારા, વિમલભાઈ મોતા, અર્જુનભાઈ મોતાએ સહયોગ આપ્યો હતો જ્યારે સહયોગી દાતાઓ ગં.સ્વ. ભાનુબેન વિશનજી રાજગોર પરિવાર – વડોદરા અને પ્રેમિલાબેન જેઠાલાલ મોતા પરિવાર-મસ્કાએ મશીન બનાવવા માટેનો સવા લાખનો ખર્ચ ઉપાડ્યો હતો.
જાન્યુઆરી 2022માં કોરોનાની ત્રીજી લહેર આવતા શાળાઓ ફરીથી બંધ કરવાની સરકારને ફરજ પડી. આ સમય દરમિયાન એક સાંજે ATMનો ઉપયોગ કરવા માંડવી જવાનું થયું. તે સમયે દિપક મોતાને વિચાર આવ્યો કે, આ ATMનો ઉપયોગ આપણે આપણા અનુકૂળ સમયે કરી શકીએ છીએ તો બાળકો માટે પણ આવી કંઇક વ્યવસ્થા ઊભી થાય જેથી બાળકો પોતાના અનુકૂળ સમયે પોતાની જાતે શિક્ષણ મેળવી શકે.