રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરીઓ કિશોરભાઈ માંડલિયાને ત્યાં દરોડો પાડી 1285 લીટર દેશી દારૂ સહિત કુલ 1,57,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા જિલ્લા પોલીસની કાર્યવાહી અને કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી પાસે આવેલા મેલડી માતાના મંદિર નજીક અતુલ સભાયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા અંતર્ગત 1285 લિટર દેશી દારૂ કબ્જે લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા મુજબ, દેશી દારૂની આ ફેક્ટરીનો સંચાલન લિસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરિયો કિશોરભાઈ માંડલિયા દ્વારા કરવામાં આવતું હતું. ગુનાહિત કૃત્ય આચરવા માટે તેણે અતુલ સભાયાની વાડી પણ ભાડેથી રાખી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વાડી માલિક અતુલ સભાયા પરેશ ઉર્ફે પરિયો માંડલિયા હસમુખ ઉર્ફે વાણિયો તેમજ બે એક્ટીવાના ચાલકો તેમજ એક અજાણ્યા શખ્સ સહિત કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ સહિતની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી વિસ્તાર તેમજ સાપર વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. તેમજ પરેશ ઉર્ફે ભર્યો પોલીસ સાથે સાઠગાંઠ ધરાવી દારૂની ફેક્ટરી ચલાવતો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આ તમામની વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં મેટોડા જીઆઇડીસી વિસ્તાર અને શાપર વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાં મોટાભાગે બહારી રાજ્યનો શ્રમિક વર્ગ રહે છે. જેના કારણે દારૂ પીવાનું વ્યાપક ચલણ હોવાથી આ બંને વિસ્તારોમાં મોટાપાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા નશાના કાળા કારોબારનો નાશ કરવામાં આવશે કે, કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.