- રાજ્યની પ્રથમ AIIMSના 5 OPD કાલથી શરૂ
- સિનિયર રેસિડેન્ટ 17 ડોક્ટરની યાદી કરાઇ જાહેર
- AIIMS ના કારણે સૌરાષ્ટ્રના દર્દીઓને ફાયદો થશે
આવતી કાલથી રાજ્યમાં ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી OPD શરૂ કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા AIIMS નું સમયસર કામ પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી અધૂરી રહી હતી અને પૂરતાં સાધનો પણ ન હોતા આવ્યાં. આથી AIIMS માં 5 વિભાગના તબીબો દ્વારા આવતી કાલથી OPD શરૂ કરવામાં આવશે. આથી સૌથી મહત્વની બાબત એ છે કે, સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘર આંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે.
મહત્વની બાબત એ છે કે, એઈમ્સમાં OPD ને શરૂ થવાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે બુધવારનાં રોજ નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂંક પામેલા 17 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવનારા તબીબોનો પણ સમાવેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, નોન એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરની અંદાજે 20 જેટલી ભરતી માટે ઈન્ટરવ્યૂ પાછલા અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ કોલેજના અંદાજે 50થી વધુ MD અને MS ડૉક્ટર ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી રાજકોટ AIIMS ના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ માટે કુલ 17 ઉમેદવારોની નિમણૂંક જાહેર કરાઇ છે.
AIIMS ના કારણે અનેક દર્દીઓને ફાયદો થશે. કારણ કે માત્ર 10 રૂપિયામાં જ કોઇ પણની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરી શકાશે. તદુપરાંત જો દાખલ થવાની નોબત આવે તો પણ માત્ર 375 રૂપિયામાં 10 દિવસ જનરલ વોર્ડમાં અને 2 લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી અપાશે. આ સિવાય અનેક સુવિધાઓ પણ મળી રહેશે. આ સિવાય ગરીબો માટે આશિર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ. 35 પ્રતિદિન રહેશે.