દિવાળીના તહેવારમાં દર વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ રોનક જોવા મળી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહ્યા હતા. પરિવાર સાથે દિવાળીનો તહેવાર કરવા જતાં એસટી બસ સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા પણ છેલ્લા વર્ષનો અભ્યાસ કરીને જે રૂટ પર ટ્રાફિક વધુ રહે તે તરફ વધારાની બસો દોડાવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતમાં સૌથી વધુ 2115 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ સહિત 16 ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવી હતી.
એસ.ટી નિગમના સચિવ કે.ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન 2,300 બસો દોડાવવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ મુસાફરોનો ધસારો વધે તેમ વધારાની બસો દોડાવવા માટે તમામ ડિવિઝનને સૂચના આપવામાં આવી હતી. 16 ડિવિઝનમાંથી કુલ 8,304 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે 7 કરોડ 18 લાખની આવક થઈ છે. જે ગત વર્ષની દિવાળીના તહેવારની સરખામણીએ ચાલુ વર્ષે 2 કરોડની વધુ આવક થઈ છે.
ઉલ્લેખનીય છે કે, વધારાની બસો દોડાવવાથી આ શક્ય બન્યું છે. એક્સ્ટ્રા સંચાલન કરીને મુસાફરોને સમયસર સુવિધા મળી જાય તેવું સંચાલન કર્યું છે. 19 ઓક્ટોબથી 27 ઓક્ટોબર દરમિયાન 1 કરોડથી વધુ મુસાફરોએ એસટી નિગમની બસની સુવિધાનો લાભ લીધો છે. જેના કારણે એસી નિગમને 7 કરોડ 18 લાખની આવક થઈ છે. નોંધનીય છે કે, એસી નિગમની સારી સેવાના કારણે લોકો સૌપ્રથમ એસીમાં બેસવાનું પસંદ કરતા હોય છે.
સૌરાષ્ટ્ર, દાહોદ,ઝાલોદ, પંચમહાલ તરફનું સૌથી વધુ ટ્રાફિક રહ્યું હતું. તેમજ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો તરફ જતી બસોમાં પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી. એસટી નિગમ એક અનુમાન હતું કે, દર વર્ષ કરતા ચાલુ વર્ષે મુસાફરોની ભીડમાં વધારો થશે. જેના કારણે આગોતરું આયોજન કરી વધારાની બસો દોડવી હતી. મુસાફરોએ પણ એડવાન્સ ઓનલાઈન બુકીંગ કરવી લીધા હતા. કારણ કે તહેવારોમાં ખાનગી વાહનોમાં ભાડા આસમાને પહોંચી જતા હોય છે. જેથી લોકોએ સસ્તી અને સલામતી વાળી એસટી બસમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું છે.