દેશ અને દુનિયામાં સુપ્રસિધ્ધ સાળંગપુરધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને શરદપૂનમના પર્વ નિમિતે સફેદ ફૂલોના શણગારથી શણગાર્યુ હતુ. દાદાના સિહાસને 200 કિલો સફેદ ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યુ હતુ. આ સફેદ ફૂલો અમરેલીથી લાવવામાં આવ્યા હતા. આ શણગારમાં 6 સંતો, પાર્ષદો અને ભક્તો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ દાદા આજના કળિયુગમાં હાજરા હાજૂર દેવ તરીકે ગણવામાં આવે છે. આ મહિમાને લઇ દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દેશ-વિદેશથી આવે છે. શરદ પૂનમ પર્વને લઇ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને શણગાર કરવાનો આયોજન કરવામાં આવ્યુ હતુ.
માત્ર શરદ પૂનમે જ દાદાને શણગાર કરવામાં આવતો નથી, પરંતુ દર પૂનમે શ્રી કષ્ટભંજન દેવ દાદાનો વિશેષરૂપે શણગાર કરવામાં આવે છે. આ વખતની પૂનમે સફેદ ફૂલોના શણગાર કરી ભાવિક ભક્તોને દાદાના દર્શન લાભ મળ્યો હતો.
પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:30 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.