પાવાગઢ ખાતે આવેલ ઐતિહાસિક વડા તળાવ ખાતે વર્ષ 2015થી સતત દર વર્ષે યોજાતો પંચમહોત્સવ કોરોના મહામારીને કારણે બે વર્ષથી યોજાયો ન હતો. જેમાં બે વર્ષના વિરામ બાદ પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી દ્વારા છઠ્ઠા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બર થી 31મી ડિસેમ્બર સુધી ચાલનાર પંચમહોત્સવમાં રાત્રી દરમિયાન વિવિધ ગીત સંગીત સહિતના રંગારંગ કાર્યક્રમો સહિત અનેક કાર્યક્રમો વડા તળાવ ખાતે યોજવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
25થી 31 ડિસેમ્બર સુધી યોજાશે મહોત્સવ
પાંચ વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પંચમહોત્સવ કાર્યક્રમમાં અત્યાર સુધી અનેક ખ્યાતનામ કલાકારો સાથે સ્થાનિક કલાકારોએ લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે. જોકે 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે અહીં પંચમહોત્સવ યોજવામાં આવ્યો ન હતો, પરંતુ ચાલુ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી છઠ્ઠો પંચમહોત્સવ રંગેચંગે ઉજવવાનું આયોજન કરતા અહીં ગ્રામ્ય વિસ્તાર ના લોકોમાં ખુશી જોવા મળે છે.
અનેક ગુજરાતી કલાકારો મનોરંજન પુરુ પાડશે
2015માં સૌ પ્રથમ આ પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે આ મહોત્સવ યોજાય છે. અત્યાર સુધી યોજાયેલા પંચમહોત્સવમાં કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, કૈલાસખેર, દર્શનરાવલ, પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, એશ્વર્યા મજમુદાર, સચિન જીગર, ઓસમાણ મીર, જહાનવી શ્રીમાનકાર, સાંત્વની ત્રિવેદી જેવા ખ્યાતનામ કલાકારો સાથે અહીંના સ્થાનિક કલાકારોએ પંચમહોત્સવમાં લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. આગામી 25 ડિસેમ્બર થી શરૂ થઇ રહેલા પંચમહોત્સવમાં સાત દિવસના રાત્રી કાર્યક્રમોમાં મનોરંજન પૂરું પાડનાર કલાકારોની જાહેરાત પણ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.