મોરબી પુલ દૂર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ દળ (SIT)એ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોપી દીધો છે. SITના પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર, પુલના એક કેબલના અડધા તારમાં કાટ લાગેલો હતો અને એવી આશંકા છે કે 22 તાર દૂર્ઘટના પહેલા જ તૂટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મોરબી પુલ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
SITએ પોતાના રિપોર્ટમાં શું કહ્યું?
SITએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે પુલના કેબલ બનાવવા માટે કુલ 49 તારને સાત જગ્યા પર સાથે જોડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ 49 તારમાંથી 22 તારમાં કાટ લાગેલો હતો, જેને કારણે આ તમામ 30 ઓક્ટોબરે દૂર્ઘટના પહેલા જ તૂટી ગયા હશે. SITએ કહ્યુ કે બાકી બચેલા 27 તાર લોકોના ભારને કારણે તૂટી ગયા, જેને કારણે પુલ નદીમાં તૂટી પડ્યો હતો.
જૂના અને નવા સસ્પેન્ડર્સ સાથે થઇ હતી વેલ્ડિંગ-SIT
SITના રિપોર્ટમાં પુલના સમારકામ દરમિયાન કેબલને ડેક સાથે જોડનારા જૂના સસ્પેન્ડર્સની નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવી હતી. SITએ કહ્યુ કે તેને કારણે આ સસ્પેન્ડર્સ પણ નબળા પડી ગયા હતા.
વડાપ્રધાન મોદીએ તપાસના આદેશ આપ્યા હતા
ગુજરાત સરકાર દ્વારા દૂર્ઘટનાની તપાસ માટે રચાયેલી પાંચ સભ્યોની SITએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ ગત મહિને જ સોપી દીધો હતો. જોકે, આ તપાસ રિપોર્ટને ગુજરાતના રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં મોરબી નગરપાલિકા સાથે શેર કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબી પુલ દૂર્ઘટના પર દુખ વ્યક્ત કરતા વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા.
ઓરેવા ગ્રૂપ પર લાગ્યો છે બેદરદારીનો આરોપ
દૂર્ઘટનાની તપાસમાં પુલનું સમારકામ કરનાર ઓરેવા ગ્રૂપની કેટલીક બેદરકારી સામે આવી હતી. કંપનીને પુલના સમારકામ માટે 2 કરોડ રૂપિયા મળ્યા હતા પરંતુ તેનો માત્ર છ ટકા ભાગ એટલે કે 12 લાખ રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યો હતો.
સમારકામ દરમિયાન કંપનીએ માત્ર પુલનું ડેક બદલ્યુ હતુ અને જૂના કેબલો પર ગ્રીસિંગ પણ કરવામાં આવ્યુ નહતુ. ગત મહિને ગ્રુપના MD જયસુખ પટેલે કોર્ટ સામે આત્મસમર્પણ કર્યુ હતુ.
ક્યારે બની હતી દૂર્ઘટના?
મોરબીમાં ગત વર્ષે 30 ઓક્ટોબરે મચ્છુ નદી પર બનેલો પુલ તૂટીને નદીમાં પડી ગયો હતો. આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા જ્યારે 180 લોકો ઘાયલ થયા હતા.
છઠ્ઠ પૂજાના પ્રસંગે પુલ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જેને કારણે તેનો કેબલ તૂટી ગયો હતો અને આ પુલ નદીમાં પડી ગયો હતો. દૂર્ઘટના સમયે પુલ પર લગભગ 500 લોકો હાજર હતા.