ગાંધીનગરથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ચાલુ થવા જઈ રહી છે. ત્યારે હવે શતાબ્દિ એક્સપ્રેસના સમયમાં અને ગંતવ્યમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારે 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી 06.10 કલાકના હાલના સમયને બદલે 06.20 કલાકે ઉપડશે અને 6.33 કલાકને બદલે 6.43 કલાકે બોરીવલી પહોંચશે. આ ઉપરાંત આ ટ્રેન 12.25 કલાકના હાલના સમયને બદલે 12.45 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે 1 ઓક્ટોબર, 2022થી પરત દિશામાં ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી હાલના 15.05 કલાકને બદલે 15.10 કલાકે ઉપડશે. તેના રૂટના ગંતવ્ય સ્ટેશન અને અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.
વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 1 ઓક્ટોબર 2022થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને દર રવિવારે નહીં દોડે. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 06.10 કલાકે ઉપડશે અને 12.30 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.05 કલાકે ઉપડશે અને 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી યાદી પ્રમાણે, વડાપ્રધાન 30મી સપ્ટેમ્બર 2022ના દિવસે સવારે 10.30 કલાકે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. ત્યારબાદ યાત્રિકો ટિકિટ બુક કરાવી શકશે. આ ટ્રેન ઉદ્ઘાટન દરમિયાન અમદાવાદથી બપોરે 2.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 7.35 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનમાં યાત્રિકોને અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવશે. તેમાં સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ સુવિધા, આરામદાયક સીટો વગેરે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદ્ઘાટક સેવા ટ્રેન નંબર 09404નું બુકિંગ ખુલ્યું છે. જ્યારે ટ્રેન નંબર 20901/20902 માટેનું બુકિંગ 30મી સપ્ટેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.