દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત જ્ઞોતેશ્વર પરમહંસી ગંગા આશ્રમમાં તેમણે રવિવારે બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે 99 વર્ષીય શંકરાચાર્ય છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. હમણાં 2 સપ્ટેમ્બરે તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે દ્વારકાની શારદાપીઠ અને જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી અને સ્વતંત્રતાની લડતમાં પણ ભાગ લીધો હતો.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને ધર્મયાત્રા શરૂ કરી હતી. તે દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના કાશીમાં પહોંચ્યા અને ત્યાં બ્રહ્મલીન સ્વામી કરપાત્રી મહારાજ વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું. વર્ષ 1942 આસપાસ તેઓ 19 વર્ષની ઉંમરે ક્રાંતિકારી સાધુના રૂપમાં પ્રસિદ્ધ થયા હતા, કારણ કે તે સમયે દેશમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈ ચાલી રહી હતી.
આ લડાઈને કારણે વારાણસીમાં 9 મહિના અને મધ્ય પ્રદેશમાં 6 મહિના સુધી જેલમાં રહ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદ 1950માં દંડી સન્યાસ બન્યા હતા. તેમણે જ્યોર્તિમઠ પીઠના બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સંન્યાસની દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી નામથી ઓળખાવવા લાગ્યા હતા. 1981માં તેમને શંકરાચાર્યની ઉપાધિ મળી હતી. તેઓ સ્વામી કરપાત્રી મહારાજના રાજનૈતિક દળ રામ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ બન્યાં હતા.