સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની સીઝન -2નો કાલથી પ્રારંભ
5 ટીમ વચ્ચે 11 મેચ રમાશે, ગૃહ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન
દર્શકો વિનામૂલ્યે સ્ટેડિયમ પર એન્ટ્રી મેળવી શકશે
આઈપીએલની 15મી સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને ક્રિકેટરસિકો આગામી શ્રેણીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટરસિકોને આવતીકાલથી આઈપીએલ જેવી જ એક ક્રિકેટ ટૂર્નામેન્ટ માણવાનો લ્હાવો મળશે. જેમાં આવતીકાલથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ તેમજ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થઈ જશે જેમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સીઝન 2 ની પ્રથમ મેચમાં ટક્કર થશે. આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની સાંજે 5:45 વાગ્યાથી શરૂ થઈ જશે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચેય ટીમો સાથે મુલાકાત લઈને તેમને જીત માટેની શુભકામના પાઠવશે. બીજી બાજુ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પાંચેય ટીમો છેલ્લા બે દિવસથી તનતોડ પ્રેક્ટિસ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ થાય છે. આ સિવાય મેચ દરમિયાન પણ સુમધુર સંગીતની સૂરાવલીઓ પણ વહેતી રહેશે. બીજી બાજુ આ ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે તેનું મુખ્ય આકર્ષણ ગણાશે કેમ કે આ ખેલાડીઓ તાજેતરમાં જ આઈપીએલ રમીને પરત ફર્યા છે.
જયદેવ ઉનડકટ મુંબઈ ઈન્ડિયન્સ વતી, ચેતન સાકરિયા દિલ્હી કેપિટલ્સ વતી, શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી તો પ્રેરક માંકડ પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની મેચોનું લાઈવ પ્રસારણ ક્રિકેટ રસિકો સ્ટાર સ્પોર્ટસ-2 ઉપર નિહાળી શકશે. આ ઉપરાંત ડિઝિટલ પ્લેટફોર્મ વી.યુ.સ્પોર્ટસ ઉપર પણ મેચને પ્રસારિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસપીએલની પ્રથમ સીઝન સુપરહિટ નિવડી હોય તેના રોમાંચમાં આ વર્ષે પણ બમણો વધારો થશે કેમ કે ગત સીઝન ટીવી ઉપર સૌરાષ્ટ્ર સહિત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ થકી સૌરાષ્ટ્ર-કચ્છના ક્રિકેટરોમાં રહેલું ટેલેન્ટ નિખરી ઉઠશે અને પ્રતિભાશાળી ક્રિકેટરોને પોતાની પ્રતિભા બતાવવા માટે આ પ્લેટફોર્મ અત્યંત ઉમદા સાબિત થશે તેવો મને વિશ્વાસ છે. ક્રિકેટરસિકોના અત્યંત પ્રિય એવા એસસીએ સ્ટેડિયમ પર આ ટૂર્નામેન્ટ રમાઈ રહી હોય તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પર આવી પહોંચશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.