ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને જણાવ્યો સમસ્યાનો ઉકેલ
પાન મસાલાની પિચકારીથી ત્રસ્ત મહિલાઓએ ગૃહરાજ્યમંત્રીને કરી રજૂઆત
‘હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’: સંઘવી
ભારતના ટોપ સ્વચ્છ રાજયમાં ગુજરાતની ગણના થાય છે. પરંતુ રાજ્યના હજુ ઘણા શહેર એવા છે કે જ્યાં ગંદકીના ગંજ જોવા મળે છે. ગુજરાતની ડાયમંડ નગરી સુરતમાં જ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મૂળ સુરતના અને હાલ ગૃહરાજ્ય મંત્રીએ ગંદકીને લઇને મહિલાઓએ ફરિયાદ કરતા કડકાઇ દર્શાવી હતી અને મહિલાઓને ધોકો લઇને બેસવાની સલાહ આપી હતી.
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વાત જાણે એમ છે કે સુરતના સુમન આવાસ ખાતે ગૃહરાજ્યમંત્રી પહોંચ્યા હતા.. ત્યાં આવતાની સાથે જ હાજર જનમેદની તેમનુ અભિવાદન કરવા લાગી પરંતુ મહિલાઓ તેમની પાસે ગંદકીની ફરિયાદ લઇને પહોંચી હતી. આવાસમાં ઠેર ઠેર પાનની પિચકારીઓને કારણે ગંદકી થતી હોવાની ફરિયાદ હર્ષસંઘવીને કરી હતી .
ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે ” બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને. કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે”
તેમણે વધુમાં જણાવ્યુ કે તમે એકલા એકલા વાત કરોને તો કંઇ નહી થાય, બધાએ ભેગા થઇને બેસશોને તો ડરશે. કારણ કે એતો બધા વાતો કરે પણ ડરે બધા. આવુ બોલતા જ સૌ કોઇ હસવા લાગ્યા હતા. તેમજ પાન મસાલાની પિચકારીઓથી પરેશાન મહિલાઓને ફ્લેટની નીચે ધોકો લઇને જ બેસવાનું કહ્યું. ધોકો બતાડશો ને એટલે બિલ્ડિંગની બહાર ભાગશે તેમ જણાવીને મહિલાઓને પોતાની સમસ્યાનો ઉકેલ જણાવ્યો હતો. સાથે જ અન્ય ફરિયાદોના ઉકેલ માટે પણ આશ્વાસન આપ્યુ હતું અને કહ્યું કે જો કોઇ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો.