- ઇડરના બડોલી માંથી ચંદનના 27 ઝાડની ચોરી
- 28 ઝાડને થડ માંથી કાપી નાખ્યા
- સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતર માલિકોએ ઇડર પોલીસમાં ફરિયાદ કરી
સાબરકાંઠા જિલ્લાના ઇડરના બડોલીની સીમમાંથી ચંદનચોરોએ બે ખેતરમાંથી 27 ચંદનના ઝાડની ચોરી કરી, 28 ચંદનના ઝાડને નુકસાન કરી 115 કિલો જેટલું સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતરમાલિકોએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇડરના બડોલીના નાથાભાઈ કોદરભાઈ અને લીલાબેન નાથાભાઈ પટેલની જમીન બડોલીની સીમમાં આવેલી છે. જેમાં લીલાબેનના નામે આવેલ સર્વે નં. 176 માં ચંદનના ઝાડ વાવેલ હતા. નાથાભાઈના પુત્ર રાજેન્દ્રભાઈ તા. 10 મે ના રોજ રાજેન્દ્ર હિંમતનગર નોકરીથી ઘરે વહેલા આવી ખેતરમાં ચંદનના ઝાડ જોવા જતાં ઝાડના ડાળા, પાંખડા ખેતરમાં વેરવિખેર પડ્યા હતા.
દરમિયાન તપાસ કરતાં ચંદનના 23 ઝાડના થડ કાપી તેમાંથી 115 કિલો જેટલું ચંદનનું સુગંધીદાર લાકડું ચોરાયું હતું. તેમજ 16 ઝાડને થડમાંથી કાપી નુકસાન કર્યું હતું. જેની આશરે 1.60 લાખ થવા જાય છે. જ્યારે અશ્વિનભાઇ રેવાભાઈ પટેલના ચામુંડાનગર પાછળ આવેલ સર્વે નંબર 266માં 15 વર્ષ જૂના 4 ઝાડ હતા તે થડ ચોર કાપી ગયા હતા. જેની આશરે કિં. 1 લાખ થવા જાય છે. ખેતરમાંથી 12 ચંદનના ઝાડ કાપી નુકસાન કર્યું હતું જેની આશરે 1.20 લાખ થવા જાય છે.બડોલીની સીમમાંથી બે ખેડૂતોના ખેતરમાં 28 ચંદનના ઝાડને નુકસાન અને 27 ઝાડમાંથી સુગંધીદાર ચંદનના લાકડાની ચોરી કરી ચોરો પલાયન થતાં ફરી એકવાર ઇડર પથકમાં ચંદન ચોરો સક્રિય થતાં પોલીસ માટે ચંદનચોરો નાકનો દુ:ખાવો બન્યા છે. રાજેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ અને અશ્વિનભાઇ પટેલ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી