ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે.
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં, જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં, વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં તેમજ જંગલમાં કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં, સાથે જ ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. ભવનાથ થી રૂપાયતન સુધીનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો માર્ગ, ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ ૩૬ કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.
ગિરનાર પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે સાથે લઈ જવા પર પણ પ્રતિબંધ છે, વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ રેકડી સ્ટોલ રાખવાની સખત મનાઈ છે, અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા પણ મનાય છે. આ સાથે પાન, માવા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં અને જમીન પ્રદૂષિત કરવી નહી આ સાથે ઉપરાંત અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરી, ગાંધીનગરના આદેશ દ્વારા પણ વન્ય પ્રાણી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશ, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા ફેકવા પર પ્રતિબંધ છે તે સહિતનો નિયમ પણ જાહેર કરાયો છે