ધાંગધ્રાના ગાજરણાવાવ ગામે બોરમાં બાળકી પડી
બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી
આર્મીના જવાનોએ બાળકીને સુરક્ષિત બહાર કાઢી
ધાંગધ્રાના ગાજરણાવાવ ગામે બોરમાં પડેલી બાળકીને ભારે જહેમત બાદ બચાવી લેવાઇ છે. અનિરુદ્ધભાઇ નામના ખેડૂતની વાડીમાં આવેલા બોરમાં બાળકી પડી ગઇ હતી. 600 ફૂટ ઊંડા બોરમાં બાળકી 60 ફૂટે ફસાઇ હતી. બાળકીને બચાવવા સતત ઑક્સિજન આપવામાં આવી રહ્યો હતો. ગ્રામજનો તથા આગેવાનો સહિત આર્મી અને પોલીસનો કાફલો બાળકીને બચાવવા માટે જોતરાયો હતો. જો કે આખરે ભારે જહેમત બાદ બાળકીને હેમખેમ બોરમાંથી બહાર કાઢવામાં આવી. હાલ બાળકી સુરક્ષિત છે તેને હાથે-પગે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મહત્વનું છે કે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ગાજણવાવ ગામે આદિવાસી ખેતમજૂરની દિકરી ખેતરમાં રમી રહી હતી. 12 વર્ષની કિશોરી રમતા રમતા ક્યારે બોરમાં પડી ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. બાળકી ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી. બાળકી બોરમાં ફસાઇ હોવાનું સામે આવતા પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા. કિશોરીને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી, પોલીસ. મામલતદાર, તથા આરોગ્યની ટીમ અને આર્મી સહિચ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો હતો.
તો અગાઉ જૂન મહિનામાં જ સુરેન્દ્રનગરમાં બાળક બોરવેલમાં ફસાયુ હોવાની ઘટના બની હતી. ધાંગધ્રાના દુદાપુર ગામે અઢીવર્ષનું બાળક 500 ફૂટના બોરવેલમાં પડી ગયુ હતું. વાડીમાં રમતા સમયે બાળક બોરવેલમાં પડી ગયુ જેની પરિવારને જાણ જ રહી. જો કે 40 મિનિટના રેસક્યુ બાદ અઢી વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યુ હતું. ધ્રાંગધ્રામાં આર્મીની ટીમે ભારે જહેમત ઉઠાવીને બાળકને સહીસલામત બહાર કઢાતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો..