સરકાર દ્વારા ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા
સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું
પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના ગ્રેડ પે ઓછા છે. જે વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આંદોલન પણ ચાલ્યા. તેવા સંજોગો વચ્ચે હવે સરકાર દ્વારા ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે ટૂંક સમયમાં પોલીસ ગ્રેડ પે અંગે નિર્ણય આવી શકે છે. આ બાબતે વિચારણા ચાલુ છે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે અગાઉ પોલીસ પરિવારની મહિલાઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. જેમાં રાજ્ય સરકારે આ માંગ મામલે સકારાત્મક જવાબ આપ્યો હતો અને રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી .સરકારની કમિટી ગઠનની જાહેરાત સાથે જે તે સમયે સરકાર અને પોલીસ વડાના સકારાત્મક વલણથી આંદોલનની આગ શાંત પડી હતી.