રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે.
ડેડિયાપાડામાં સૌથી વધુ 19.5 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં એક દિવસમાં 224 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાથે તિલકવાડા, નાંદોદ, સુબિર અને ડાંગમાં પણ વ્યાપક વરસાદ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.