અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે સૌરાષ્ટ્રના રાજકોટ સુધી લંબાવવાની માંગ ઉઠી રહી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રાજકોટ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી છે.
સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ સુધી વંદે ભારત ટ્રેનને લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ એવા રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવા પર સૌરાષ્ટ્રની જનતાને ઘણો લાભ થશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની છે. આ ટ્રેન શરૂ થઈ ત્યારથી એટલે કે 134 દિવસથી હાઉસફૂલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ હોય છે. આના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતા પણ વધારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ક્રેઝ છે.
તાજેતરમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ભારતમાં હાલ વંદે ભારત ટ્રેનમાં ખુરશીની સુવિધા છે, જેમાં મુસાફરોને બેસીને જવાની સુવિધા છે. આ ટ્રેન 500 થી 600 કિમીનું અંતર કાપી લે છે. આવી સ્થિતિમાં રેલવેએ વંદે ભારત ટ્રેનમાં સ્લીપર કોચ ઉમેરવા અંગે એક સર્વે હાથ ધર્યો હતો. જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે, રેલવે તેના મુસાફરોને લાંબા રૂટ પર વધુ સુવિધાઓ આપી શકે છે.
રેલવે 400 કિમી અથવા 5 કલાકથી વધુ લાંબી મુસાફરી માટે વંદે ભારતમાં સ્લીપર કોચ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ કોચ જોડવાથી મુસાફરોને તેમની મનપસંદ ટ્રેનમાં વધુ સુવિધા મળી રહેશે અને મુસાફરો પણ ઓછા સમયમાં તેમના ઘરે પહોંચી શકશે. સાથે જ તેનાથી રેલવેની આવકમાં પણ ઘણો વધારો થશે.
30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવી હતી લીલી ઝંડી
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
જાણો વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો વિશે
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછા સમયમાં અંતર કાપે છે.
- આ ટ્રેનની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- આ ટ્રેનમાં 52 સીટ વાળા બે ફર્સ્ટ કલાસ કંપાર્ટમેન્ટ છે
- જ્યારે જનરલ કોચમાં 78 સીટ છે.
- ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકે છે.
- વંદે ભારત એક્સપ્રેસમાં GPS, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ટ્રેનમાં વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓથી સજ્જ છે.