- અંધ મહિલા વિકાસ ગૃહની ૨૧ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સામુહિક મતદાન થકી આપી વોટિંગની પ્રેરણા
- પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ટેકણ લાકડી બની શાળાની વિદ્યાર્થિનીઓ
લોકશાહીનો અવસર એટલે રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ૭૦- રાજકોટ દક્ષિણ બેઠકના બૂથ નંબર ૧૩૯ ખાતે “મા શારદા વિદ્યાલય” ખાતે અંધ મહિલા વિકાસ ગૃહની ૨૧ અંધ બહેનોએ સમુહમાં મતદાન કરીને દેશની લોકશાહીને નજર ના લાગે તે માટે જાણે “કાજળનું ટપકું” કર્યું હતું.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી કે. જી. ચૌધરી અને મામલતદારશ્રી એચ. એન. પરમારના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનરશ્રી અરૂણ દવેના સહયોગથી અંધ મહિલા વિકાસ ગૃહે અંધ મહિલાઓને મતદાન કરાવી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનાવી હતી. સ્કૂલની વિદ્યાર્થિનીઓ આ ૨૧ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ટેકણ લાકડી બની હતી અને મતદાન મથક ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું શબ્દશ: પાલન કરીને તેમને સન્માનપૂર્વક લાવવા-લઈ જવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈન્ચાર્જશ્રી કલ્યાણીબેન જોષીએ કહ્યું હતું કે લોકશાહીના આ તહેવારમાં દિવ્યાંગો પાછળ ના રહી જાય તે માટે વહિવટી તંત્રએ કરેલા પ્રયત્નો સરાહનીય છે. દિવ્યાંગો લોકશાહીમાં મતદાન કરી શકતા હોય ત્યારે અન્યોએ પણ અચૂક મતદાન કરવું જોઈએ. મતદાન કરવું એ દરેકનો અધિકાર છે. અંધ લોકો માટે બ્રેઈલ-લિપિનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવે છે.
આ તકે સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા ભારતીબેન લકક્ડે જણાવ્યું હતું કે, મેં આ જ સંસ્થામાં એમ.એ બી.એડનું શિક્ષણ મેળવીને, હાલમાં અભ્યાસ કરી રહેલા બાળકોને બ્રેઇલ લિપિમાં સામાજિક વિજ્ઞાન, ગણિત અને બ્રેઇલ લિપિ શીખવું છું. સરળ રીતે મતદાન કરી શકાય તેવી ચૂંટણી તંત્રએ વ્યવસ્થા કરી આપી છે, મતદાન એ બંધારણે આપેલો અધિકાર છે, જેનું આપણે સૌએ માન જાળવીને અચૂક મતદાન કરવું જોઈએ. રાજકોટમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો એકસાથે મતદાન કરીને અનેક લોકોને મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે.