રાજકોટ યાર્ડમાં 2 દિવસથી ચાલતી શ્રમિકોની હડતાળ સમેટાઇ
સત્તાધીશોએ બેઠક બોલાવી ઘીના ઠામમાં ઘી પાડ્યું
શ્રમિકોની જૂની વજન પદ્ધતિ અમલમાં લાવવાની માગ હતી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિભાગમાં શ્રમિકો હડતાળ પર ઉતરી જતાં છેલ્લા બે દિવસથી મગફળીની હરાજીનું કાર્ય સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. જેની સામે આજે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા મજૂરો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી. જોકે આ બેઠક સફળ જતા શ્રમિકોએ હડતાળ પાછી ખેંચી લેતા ફરી ઘીના ઠામમાં ઘી પડ્યું છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિભાગમાં શ્રમિકો હડતાળ પર ઉતરી જતાં છેલ્લા બે દિવસથી મગફળીની હરાજીનું કાર્ય સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. શ્રમિકોની હડતાળ અને ખેડૂતોના રોષને ધ્યનમાં રાખી યાર્ડના સત્તાધીશો દ્વારા આજે મજૂરો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી અને સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, આજની આ બેઠક સફળ રહેતા અને સમાધાન થતા શ્રમિકોએ હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે શ્રમિકો સાથે બેઠક યોજવામાં આવી હતી. યાર્ડ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક કાંટાઓ મુકાયા છે. જેનો શ્રમિકો વિરોધ કરી રહ્યા હતા જેને યાર્ડના સત્તાધીશો અયોગ્ય ગણાવી રહ્યા છે. શ્રમિકોની માગણી એવી છે કે, ઇલેક્ટ્રિક કાંટામાં કામગીરીમાં ઝડપ આવતી નથી, જૂની વજન પદ્ધતિ મુજબ કાર્ય કરવાની માગણી ઊઠી હતી. બીજી તરફ ખેડૂતોને બિયારણ ખરીદવા માટે પૈસાની જરૂર હોય, મગફળીના સારા ભાવ પણ ઉપલબ્ધ થાય તેવી સ્થિતિ હોય, ખેડૂતોને હરાજી બંધ થઇ જતા મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં મગફળીમાં છેલ્લા બે દિવસથી ચાલતી શ્રમિકોની હડતાળનું સુખદ સમાધાન થયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન વસંત ગઢીયા, ડિરેક્ટર જયેશ પીપળીયા, રાજુ થાવરીયા, સંદીપ લાખાણી, અતુલ કમાણી, દીલી પનારા, બોર્ડના અન્ય સભ્યો તેમજ સેક્રેટરી બી.આર. તેજાણી તેમજ સ્થાનિક વેપારી દ્વારા મજૂરો સાથે ચર્ચા-વિચારણા કરી જૂની ઇલેક્ટ્રિક કાટાની પ્રથા યથાવત રાખી મજૂરોને પડતી મુશ્કેલી દૂર કરી હડતાલનો સુખદ અંત લાવ્યો હતો. મગફળીની નવી આવક આજે સાંજે 8 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે.